દિલ્હી તો દૂર છે, પણ આપણું વડોદરા વસ્તીના પ્રમાણમાં વધુ પ્રદૂષિત
(પ્રતિનિધિ), વડોદરા. તા.18
વડોદરા અત્યારે એક ભયાનક સ્વાસ્થ્ય કટોકટીના ઉંબરે ઉભી છે. એકબાજુ કુદરતની ‘બેવડી ઋતુ’ (કભી ઠંડી-કભી ગરમી) અને બીજી બાજુ માનવસર્જિત ‘ઝેરી પ્રદૂષણ’ આ બંનેએ મળીને વડોદરાના વાતાવરણને રોગચાળાનું કેન્દ્ર બનાવી દીધું છે. શહેરની હવામાં ભળેલું ઝેર હવે ગળામાં ખારાશ અને ફેફસામાં ચેપ બનીને ઉતરી રહ્યું છે. વડોદરાના નાગરિકો અત્યારે એવા ભ્રમમાં જીવી રહ્યા છે કે પ્રદૂષણ માત્ર દિલ્હીની સમસ્યા છે. વાસ્તવિકતા એ છે કે વડોદરાનો AQI (એર ક્વોલિટી ઇન્ડેક્સ) 150 થી 300ની વચ્ચે ઝોલા ખાય છે. જો વસ્તીની ગીચતા અને વિસ્તારની સરખામણી કરવામાં આવે તો વડોદરાનું પ્રદૂષણ સ્તર દિલ્હી કરતા પણ વધુ જોખમી સાબિત થઈ રહ્યું છે. શહેરમાં વહેલી સવારે જે આછા ધુમ્મસ જેવી ચાદર દેખાય છે, તે હકીકતમાં વાહનોનો ધુમાડો, બાંધકામની ધૂળ અને રાસાયણિક કણોનું મિશ્રણ છે. આ ‘સ્મોગ’ સૂર્યપ્રકાશને ધરતી સુધી પહોંચતા રોકે છે અને પ્રદૂષિત કણોને જમીનની નજીક પકડી રાખે છે. પરિણામે, સવારે મોર્નિંગ વોક પર નીકળતા લોકો શુદ્ધ હવાને બદલે ફેફસામાં ઝેર ભરી રહ્યા છે. દિવસે પરસેવો પાડે તેવી ગરમી અને રાત્રે ઓઢવું પડે તેવી ઠંડીના કારણે માનવ શરીરની રોગપ્રતિકારક શક્તિ નબળી પડી રહી છે. જેના કારણે ગળાનું ઇન્ફેક્શન 10 માંથી 7 દર્દીઓ ગળામાં દુખાવો અને અવાજ બેસી જવાની ફરિયાદ કરી રહ્યા છે. શરદી-ઉધરસ, વાયરલ લોડ વધતા સામાન્ય શરદી હવે 10-12 દિવસ સુધી મટતી નથી. દમ અને શ્વાસની તકલીફ, અસ્થમાના દર્દીઓ માટે આ હવા ‘કાળ’ સમાન સાબિત થઈ રહી છે. શું પાલિકા અને પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ માત્ર આંકડા જોયા કરશે ? કે પછી શહેરની આ ઝેરી હવાને શુદ્ધ કરવા માટે કોઈ નક્કર એક્શન પ્લાન લાવશે ? વડોદરાવાસીઓ હવે શ્વાસ લેવા માટે ‘શુદ્ધ હવા’ની ભીખ માંગી રહ્યા છે.