13 દિવસ સુધી શહેરના પશ્ચિમ વિસ્તારના ટ્રાફિકમાં ધરખમ ફેરફાર; જેતલપુર અંડરપાસ અને ફ્લાયઓવર પર વાહનોનો જમાવડો થઈ શકે છે

વડોદરા શહેરમાં નેશનલ હાઈ સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડ દ્વારા હાથ ધરવામાં આવેલા બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરી હવે નિર્ણાયક તબક્કામાં પહોંચી છે. આ પ્રોજેક્ટના ભાગરૂપે વડોદરાના વ્યસ્ત ગણાતા અકોટા બ્રિજ પર ગર્ડર લોન્ચિંગ સહિતની ભારે ટેકનિકલ કામગીરી કરવાની હોવાથી, આગામી 27 માર્ચ 2026 થી 8 એપ્રિલ 2026 સુધી આ બ્રિજ વાહનવ્યવહાર માટે સંપૂર્ણપણે બંધ રાખવાનો સત્તાવાર નિર્ણય લેવામાં આવ્યો છે.
NHSRCL દ્વારા જારી કરવામાં આવેલી જાહેર સૂચના મુજબ, બુલેટ ટ્રેનનો રૂટ આ બ્રિજ પરથી પસાર થતો હોવાથી ત્યાં ભારે મશીનરી અને ગર્ડર ગોઠવવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. સુરક્ષાના કારણોસર અને કામગીરીમાં કોઈ અવરોધ ન આવે તે હેતુથી વહીવટી તંત્ર દ્વારા આશરે 13 દિવસ સુધી બ્રિજ પરનો ટ્રાફિક ડાયવર્ટ કરવામાં આવ્યો છે. અકોટ બ્રિજ શહેરના પશ્ચિમ વિસ્તારને રેલ્વે સ્ટેશન અને મધ્ય શહેર સાથે જોડતી મુખ્ય કડી હોવાથી, આ સમયગાળા દરમિયાન હજારો વાહનચાલકોને અસર થવાની શક્યતા છે.
ટ્રાફિકની સમસ્યાને નિવારવા માટે તંત્ર દ્વારા અગાઉથી જ વૈકલ્પિક માર્ગોની યાદી જાહેર કરવામાં આવી છે. જે વાહનચાલકો નિયમિતપણે અકોટ બ્રિજનો ઉપયોગ કરે છે, તેઓ હવે જેતલપુર ફ્લાયઓવર બ્રિજ, જેતલપુર અંડરપાસ અથવા વિશ્વામિત્રી ફ્લાયઓવર બ્રિજનો ઉપયોગ કરી શકશે. જોકે, મુખ્ય બ્રિજ બંધ થવાને કારણે આ આસપાસના રસ્તાઓ પર ટ્રાફિકનું ભારણ નોંધપાત્ર રીતે વધવાની સંભાવના છે.
NHSRCL અને સ્થાનિક વહીવટી તંત્રએ શહેરીજનોને પડનારી અસુવિધા બદલ ખેદ વ્યક્ત કર્યો છે. પોલીસ વિભાગ દ્વારા પણ ટ્રાફિક વ્યવસ્થા જાળવવા માટે વધારાના જવાનો તૈનાત કરવામાં આવશે. વાહનચાલકોને અપીલ કરવામાં આવી છે કે તેઓ મુસાફરીનો સમય નિર્ધારિત કરતાં વહેલા નીકળે અને ટ્રાફિકના નિયમોનું ચુસ્તપણે પાલન કરી તંત્રને સહકાર આપે. 8 એપ્રિલ પછી કામગીરી પૂર્ણ થતા બ્રિજને પુનઃ કાર્યરત કરવામાં આવશે.