ખેતરોમાં તથા ઠેરઠેર પાણી ભરાતા શાકભાજીની આવકમાં ઘટાડો..
ભારે વરસાદને પગલે ટ્રાન્સપોર્ટેશન ની તકલીફ સર્જાતા બહારથી આવતા શાકભાજી મંગાવવા મોંઘા બન્યા…
હાલમાં સમગ્ર દેશમાં મોન્સૂન રાબેતા મુજબ ચાલી રહ્યું છે. મહારાષ્ટ્ર, રાજસ્થાન,ઝારખંડ, ઉત્તર પ્રદેશ, બિહાર, મધ્ય પ્રદેશ સહિત સમગ્ર ગુજરાતમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યાં છે જેના કારણે ડેમમાં નદી નાળાઓ જળાશયોમાં વરસાદી પાણીની આવક વધતાં કેટલાય રાજ્યો અને શહેરો, ગ્રામ્ય વિસ્તારો જળબંબાકાર બન્યા છે જેની સીધી અસર ખેતી પાકો, સહિત શાકભાજી પર પડી છે. ખાસ કરીને લીલા શાકભાજી સહિત કેટલાક પાકોને નુકશાન થયું છે જેના કારણે શાકભાજીની આવકમાં ઘટાડો થયો હોવાથી લીલાં શાકભાજી દુર્લભ બન્યા છે સાથે જ મોંઘા બન્યા છે.એક તરફ મોંઘવારીનો માર વેઠી રહેલી પ્રજા પર પડતાં પર પાટું સમાન શાકભાજીના દિનપ્રતિદિન વધતા ભાવોને કારણે જે લોકો એકાદ કિલો શાકભાજી ખરીદતા હતા તેઓ હવે પાંચસો ગ્રામ અને અઢીસો ગ્રામ શાકભાજી ખરીદતાં જોવા મળી રહ્યાં છે
એક તરફ લોકોની મર્યાદિત આવક છે બીજી તરફ શાકભાજી મોંઘી થઇ ગઇ છે ત્યારે આવી પરિસ્થિતિમાં માણસને બે છેડા ભેગાં કરવા પણ અસહ્ય થઇ ગયાં છે.અનેક રાજ્યોમાં શહેરમાં ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઇ જતાં ખેતરમાં વરસાદી પાણી ને કારણે લીલાં શાકભાજી ખરાબ થઇ ગયા છે. બીજી તરફ બહારથી આવતા શાકભાજીની આવકમાં ઘટાડો થયો છે. અન્ય રાજ્યોમાંથી ટ્રાન્સપોર્ટેશ દ્વારા આવતા શાકભાજી હવે વરસાદને કારણે ટ્રકો કે અન્ય વાહનોમાં આવતા નથી કારણ કે વરસાદમાં જોખમ લેવા ટ્રાન્સપોર્ટરો જોખમ ખેડવા તૈયાર નથી બીજી તરફ એપીએમસી ના વેપારીઓ પણ માલ ખરાબ થઇ જવાની બીકે તેમજ ટ્રાન્સપોર્ટેશન મોઘું થઇ જતાં શાકભાજી મંગાવી નથી રહ્યાં જેના પગલે લીલાં શાકભાજી સહિત અન્ય શાકભાજી પણ મોંઘા બન્યા છે. છેલ્લા બે દિવસથી શાકભાજીના ભાવો 35% જેટલો વધારો જોવા મળી રહ્યો છે.
હાલમાં બટાકાના ભાવ લૌકર બટાટા 50 રૂપિયા પ્રતિ કિલોગ્રામ છે જ્યારે બાસ્કા બટાટા 35 થી 40 રૂપિયા પ્રતિ કિલો છે. અને ડુંગળીના 40 થી 50 રૂપિયા થઈ ગયા છે. જ્યારે ટામેટાના ભાવ કિલો દીઠ 80 થી 100 રૂપિયા સુધી પહોંચી ગયા છે, તો આદુ 120 થી 140 રૂપિયા પ્રતિ કિલો અને ગવાર 120 થી 140 રૂપિયા પ્રતિ કિલો વેચાઈ રહ્યા છે. કોથમીરનો ભાવ પણ 120 રૂપિયાથી વધીને 140 રૂપિયા પ્રતિ કિલો થઈ ગયો છે.
વરસાદમાં શાકભાજી ટ્રાન્સપોર્ટેશન અને લેબર કોસ્ટને ધ્યાનમાં રાખીને એપીએમસીમાં વેપારીઓએ ખરીદવાનું હોય છે જેમાં શાકભાજી ચકાસણી કે શોર્ટટિંગ કરવાનો અવકાશ વેપારીને રહેતો નથી પરંતુ એપીએમસી જેવા મોટા માર્કેટમાંથી જ્યારે નાના વેપારીઓ માલ લેવા આવે છે ત્યારે શાકભાજી ચકાસણી કરીને લેતા હોય છે ત્યારબાદ શાકભાજી પર લોકલ ટ્રાન્સપોર્ટેશન ખર્ચ,નફો તથા માલમાંથી બગાડની બાદબાકી નો ખર્ચ પણ તેમાં જોડી દેવામાં આવે છે અને ત્યારબાદ મોંઘી કિંમતે છૂટક શાકભાજીનુ વેચાણ કરવામાં આવતું હોય છે. ઘણીવાર સિઝન મુજબ વેપારીઓ જમાખોરી કરતાં હોય છે દા.ત. ચોમાસામાં ડુંગળી, બટાટા જલ્દી ખરાબ થઇ જાય છે માટે તેનું ઉનાળામાં જ મોટા વેપારીઓ સંગ્રહ કરી રાખતાં હોય છે અને ચોમાસામાં આવા શાકભાજીના ભાવો વધારી દેવામાં આવે છે. સરકાર દ્વારા આ જમાખોરી તથા ખરીદ વેચાણ ના ભાવોને નિયંત્રણ કરવામાં આવે તો શાકભાજીના ભાવો ઉત્પાદન વધુ હોવા છતાં જનતાને મોંઘા ભાવે ખરીદવા ન પડે.
હાલમાં શાકભાજીના ભાવ કેટલા વધ્યા?
પાલક: 40 થી 50રૂ. (પ્રતિ કિ.ગ્રા.)
મેથી: 80 થી 120રૂ. (પ્રતિ કિ.ગ્રા.)
તાંદલજા: 80 થી 100રૂ. (પ્રતિ કિ.ગ્રા.)
સોવા ભાજી: 70 થી 80રૂ. (પ્રતિ કિ.ગ્રા.)
લીંબુ : 70 થી 80રૂ. (પ્રતિ કિ.ગ્રા.)
પરવળ: 60 થી 70રૂ. (પ્રતિ કિ.ગ્રા.)
રીંગણ: 30 રૂ.થી 40 રૂ.
આદુ: 120 રૂ.થી 140 રૂ.
કોબીજ: 60 રૂ.થી 70 રૂ.
ગવાર: 120 રૂ.થી 140 રૂ.
ટીંડોડા: 60 રૂ.થી 80 રૂ.
ભીંડા: 60 રૂ.થી 70 રૂ.
ફૂલેવાર: 80 રૂ. થી 100 રૂ.
ગાજર-બીટ: 35 રૂ. થી 40 રૂ.
કાકડી: 35 રૂ. થી 40 રૂ.
લીલાં મરચાં: 120રૂ. થી 160 રૂ.
લીલાં ધાણા: 120રૂ. થી 160 રૂ.
સુકું લસણ 300 થી 350 રૂ.
હાલમાં દરેક જગ્યાએ વધુ વરસાદને પગલે શાકભાજીની આવક ઘટી છે. ખેતરોમાં વરસાદી પાણી ભરાઇ જતાં શાકભાજી પાકોને નુકશાન થયું છે સાથે જ હોલસેલના વેપારીઓ જોખમ લેવા તૈયાર નથી સાથે જ બહારથી ગાડીઓ આવવી છેલ્લા બે દિવસથી મુશ્કેલ થઇ છે નાના વેપારીઓ લોકલ ટ્રાન્સપોર્ટેશન, મજૂરી, નફો તથા ખરીદેલ માલમા નિકળતા બગાડનો ખર્ચ બધું ગણીને સાથે જ સતત વરસાદને પગલે છૂટકમા શાકભાજી વેચે છે જે મોંઘું શાક વેચાય છે.
-દેવીશા અગ્રવાલ-શાકભાજીના વેપારી