ઉગ્ર બોલાચાલી બાદ સવારથી જ મહાનગર કાસમાં કામગીરી શરૂ થઈ
મેયર અને ડેપ્યુટી મેયર ચિરાગ બારોટે સભા પત્યા બાદ તાત્કાલિક સ્થળ મુલાકાત લીધી હતી
ગત રોજ પાલિકાની સામાન્ય સભા દરમિયાન સત્તાધારી પક્ષ ભાજપના કોર્પોરેટર આશિષ જોશી અને મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાની વચ્ચે ભારે બોલાચાલી થઈ હતી. આ તીવ્ર વાદવિવાદની અસર એટલી થઈ કે આજે સવારથી જ મહાનાળાની તાત્કાલિક સફાઈની કામગીરી પાલિકા દ્વારા શરૂ કરવામાં આવી. લાંબા સમય બાદ મળેલી પાલિકાની સામાન્ય સભામાં ભાજપના કોર્પોરેટર આશિષ જોશીએ તેમના વોર્ડમાં આવેલા મહાનગર કાસમાં પાણી વહેતા હોવાથી અને તેના યોગ્ય નિકાલ ન થવાના મુદ્દે તીવ્ર રજૂઆત કરી હતી. તેમણે તાત્કાલિક પંપ મૂકવાની માંગ કરી, જ્યારે મ્યુનિસિપલ કમિશનરે જવાબ આપતા જણાવ્યું કે ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ થઈ ચૂકી છે અને ટૂંક સમયમાં કામ શરૂ થશે. આ જવાબથી અસંતુષ્ટ આશિષ જોશીએ ઉગ્ર વાણીમાં પ્રસ્તાવ રાખ્યો, જેના પગલે કમિશનરે પણ મજબૂત ભાષામાં જવાબ આપ્યો.

આશિષ જોશીએ કમિશનર સામે સીધા પ્રહાર કરતાં કહ્યું હતુ કે, “આ આશિષ જોષી છે. મુખ્યમંત્રીને ફરિયાદ કરવી હોય તો કરી દેજે. અગાઉના કોર્પોરેટર હોત તો કમિશનરને લાતો ખાવી પડત!” આ નિવેદનથી કમિશનર અકળાઈ ગયા અને બંને વચ્ચે તીવ્ર વાદ-વિવાદ થઈ ગયો. એક તબક્કે પરિસ્થિતિ એવી થઈ કે મેયર પિન્કીબેન સોનીને સભા બરખાસ્ત કરવાની જાહેરાત કરવાની નોબત આવી. વિવાદના પડઘા પ્રદેશ કક્ષાએ પડી શકે તે ધ્યાનમાં રાખીને મેયર અને ડેપ્યુટી મેયર ચિરાગ બારોટે સભા પત્યા બાદ તાત્કાલિક સ્થળ મુલાકાત લીધી. તેમણે મહાનગર કાસની સ્થિતિનું મૂલ્યાંકન કર્યું અને કામગીરીને વેગ આપવા માટે તંત્રને સૂચના આપી. આજે સવારથી જ મહાનગર કાસમાં જેસીબીની મદદથી કચરો દૂર કરવાની કામગીરી શરૂ થઈ ગઈ. જે મુદ્દા પર વિવાદ થયો હતો, તે જ કામ તાત્કાલિક ધોરણે શરૂ થતા લોકોએ આશ્ચર્ય વ્યક્ત કર્યું.
