Vadodara

સામાન્ય વરસાદ પડ્યો ત્યાં તો વડોદરા પાલિકાએ પૂરેલા ખાડા ફરી પ્રગટ્યા….

3500 ખાડા પૂર્યાનો દાવો છતાં પાલિકાના રાજમાં શહેરના અનેક વિસ્તારોમાં ખાડા રાજ

મુખ્ય વિસ્તારોમાં રસ્તાઓ પર ખાડાઓની ભરમારથી વાહનચાલકોને દિન-પ્રતિદિન જોખમ

વડોદરા: વડોદરા શહેરમાં છેલ્લાં થોડા દિવસોમાં પડેલા વરસાદ પછી શહેરના મુખ્ય રસ્તાઓની હાલત ખરાબ થઈ ગઈ છે. આંતરિક રસ્તાઓ પર ખાડાઓની ભરમાર જોવા મળી રહી છે. ખાસ કરીને ગાજરાવાડી, માંજલપુર, ગોરવા, બગીખાના રોડ જેવા વિસ્તારોમાં રસ્તાઓની હાલત એટલી બિસ્માર બની છે કે વાહનચાલકો સતત અસંતુલિત ડાન્સિંગ રોડથી પસાર થવાની મજબૂરી અનુભવી રહ્યા છે. પાલિકાએ જે ખાડા પૂર્યા હતા તે નજીવા વરસાદમાં ફરી ઉભરી આવ્યા છે.

ખાડાના કારણે અનેક વાહનો રસ્તામાં ફસાઈ રહ્યા છે ત્યારે અકસ્માતોની સંભાવના પણ વધુ વધી છે. પાલિકા તંત્ર એક બાજુ ખાડાપૂરો અભિયાન શરૂ કર્યું હોવાનો દાવો કર્યો હતો, પણ હકીકતમાં ઘણા વિસ્તારોમાં હાલત સુધારો કરવાને બદલે વધુ ખરાબ બની રહી છે.

મહાનગરપાલિકા દ્વારા ફાયર વિભાગને ખાડા શોધવાની જવાબદારી સોંપાઇ હતી, પણ તંત્રની કાર્યપદ્ધતિ ધીમી બની રહી છે, પરિણામે સ્થાનિક નાગરિકોને દરરોજના પ્રવાસમાં જીવના જોખમનો સામનો કરવો પડી રહ્યો છે.

કમિશ્નરે અધિકારીઓને તાત્કાલિક ખાડા પૂરી કાર્યવાહી માટે અલ્ટીમેટમ આપ્યું હતું. તંત્રે બે-ત્રણ દિવસમાં 3,500થી વધુ ખાડાઓ પુરાયા હોવાનું જણાવ્યું હતું, પરંતુ જમીન પર એનો ખાસ અસર જોવા મળતી હોય તેમ જણાતું નથી. વિવિધ વિસ્તારોમાં હજુ રસ્તો છે કે ખાડા એ જણાવવું મુશ્કેલ બની ગયું છે.

શહેરના નાગરિકો રસ્તાની હાલત અંગે ભારે અસંતોષ વ્યક્ત કરી રહ્યાં છે. ખાસ કરીને બાળકો, સ્કૂલજતાં વિદ્યાર્થીઓ અને દૈનિક મુસાફરી કરતાં લોકો માટે રસ્તાના ખાડા જીવલેણ સાબિત થઈ રહ્યા છે.

નાગરિકોએ તંત્રને જાગૃત થવાની માગણી ઊઠાવી છે અને માંગ કરી છે કે ખાડાપુરવાની કામગીરીને ઝડપથી પૂર્ણ કરીને સુરક્ષાપૂર્વક વહીવટ સુનિશ્ચિત થાય. હવે જોવુ રહ્યુ કે તંત્ર કેટલું સક્રિય થાય છે તે, અને વડોદરાને ખાડા મુકત ક્યાં સુધીમા કરે છે.

Most Popular

To Top