ઓફિસેથી પરત ફરતા નાગરિકો અટવાયા
વડોદરા શહેરના મુખ્ય માર્ગ ગણાતા અકોટા–દાંડિયાબજાર બ્રિજ પર આજે સાંજના પીક અવરે ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો. ઓફિસેથી ઘર તરફ પરત ફરતા નાગરિકોના કારણે બ્રિજ પર વાહનોની લાંબી કતારો જોવા મળી હતી અને સેંકડો વાહનચાલકો રસ્તામાં અટવાઈ ગયા હતા.
ટ્રાફિક જામની સ્થિતિ એટલી વિકટ બની કે બ્રિજ પર વાહનોના પૈડાં થંભી ગયા અને લાંબા સમય સુધી વાહનવ્યવહાર જટિલ રહ્યો. સાંજના વ્યસ્ત સમયે સર્જાયેલી આ સમસ્યાને કારણે દૈનિક મુસાફરોને ભારે હાલાકી ભોગવવી પડી હતી. એમ્બ્યુલન્સ સહિતના ઇમરજન્સી વાહનોને પણ આગળ વધવામાં મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.
શહેરના મહત્વના બ્રિજ પર સાંજના સમયે ફરી એકવાર સર્જાયેલા ટ્રાફિક જામે ટ્રાફિક વ્યવસ્થાને લઈ ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે.