શહેર ક્રાઇમબ્રાંચે કરજણ ખાતેથી આરોપીને ઝડપી પાડ્યો
આરોપી વડોદરાની નાયબ કલેક્ટર કચેરીનો આવાસ વિભાગ તથા ગુજરાત હાઇકોર્ટના બનાવટી લેટરો બનાવી છેતરપિંડી આચરતો..
લોકોને પોતાનું ઘર આવાસ મળે તે માટે કેન્દ્ર તથા રાજ્ય સરકાર દ્વારા આવાસોની સ્કિમો થકી આવાસો બાંધી આપ્યા છે પરંતુ ભ્રષ્ટાચાર ને કારણે સાચા લાભાર્થીઓ લાભથી વંચિત રહી જાય છે અને ભ્રષ્ટાચારીઓ અને કેટલાક લેભાગુ તત્વો દ્વારા જરુરિયાતમંદ લોકો સાથે છેતરપિંડી આચરી પોતાનો આર્થિક લાભ ઉઠાવી રહ્યાં છે. ગુજરાતીમાં એક કહેવત છે કે ‘લોભિયા હોય ત્યાં ધૂતારા ભૂખ્યા ન મરે’ આવા જ એક કેસમાં લોકોને સસ્તા ભાવે આવાસો અપાવવાની લાલચે જરુરિયાતમંદ લોકો પાસેથી નાણાં પડાવતા નિલકેશ દેસાઇ સામે અગાઉ પોલીસ ફરિયાદ થઇ હતી ત્યારે પોલીસ ધરપકડથી બચવા છેલ્લા એક વર્ષથી આરોપી ભાગતો ફરતો હતો તેને વડોદરા શહેર ક્રાઇમબ્રાંચે કરજણ ખાતેથી ઝડપી પાડ્યો છે. આરોપી વડોદરા નાયબ કલેક્ટર કચેરીના આવાસ અંગેના તથા ગુજરાત હાઇકોર્ટના બનાવટી લેટરો બનાવી જરુરિયાતમંદ લોકો પાસેથી સસ્તા દરે આવાસો અપાવવાની લાલચે નાણાં પડાવતો હોવાનું બહાર આવ્યું છે. શહેર ક્રાઇમબ્રાંચ દ્વારા આરોપી નીલકેશ દેસાઇને ઝડપી પાડી તેની સાથે આ કૌભાંડમાં અન્ય કોણ કોણ સામેલ છે, તથા કોની કોની શું ભૂમિકા છે તથા નકલી લેટરો ક્યાં કોની પાસે તૈયાર કરવામાં આવ્યા છે, કેટલા લોકો સાથે છેતરપિંડી આચરી છે અને છેલ્લા એક વર્ષથી ક્યાં ક્યાં ગયો કોણે આશરો આપ્યો છે તે તમામ બાબતે તપાસ હાથ ધરી છે. તપાસ બાદ જ સમગ્ર બાબતે પડદો ઉંચકાવવાની તથા અન્ય મોટા માથાઓની સંડોવણી બહાર આવવાની શક્યતાઓ છે.