પ્રતિનિધિ )વડોદરા,તા.17
વડોદરા શહેરમાં ફરી એકવાર હવામાનમાં પલ્ટો જોવા મળ્યો હતો. સવારે વાદળ છાયું વાતાવરણ રહ્યું હતું. મંગળવારે મહત્તમ 34.4 ડીગ્રી અને લઘુત્તમ 20.2 ડીગ્રી તાપમાન નોંધાયું હતું. જેના કારણે ગરમી અનુભવાઈ હતી.
વડોદરા શહેરમાં પવનોની દિશા બદલાતાં ગરમીના પ્રમાણમાં નોંધપાત્ર વધારો થયો છે. જોકે આગામી ત્રણ દિવસ તાપમાનમાં ખાસ ફેરફાર નહીં થાય. તે પછી 2-3 ડિગ્રી પારો વધવાની સંભાવના છે. વડોદરામાં ઉત્તર-પૂર્વ, પશ્ચિમ અને હવે દક્ષિણના પવનો ફૂંકાઈ રહ્યા છે. મંગળવારે પારો 34 ડિગ્રીને પાર થઈ ગયો હતો. જેને કારણે બપોરે ગરમી અનુભવાઈ હતી. જોકે હાલ મોડી રાતે આંશિક ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. મંગળવારે મહત્તમ પારો 34.4 ડિગ્રી અને લઘુતમ પારો 20.2 ડિગ્રી નોંધાયો હતો. સવારે હવામાં ભેજનું પ્રમાણ 58 ટકા અને સાંજે 31 ટકા નોંધાયું હતું. હાલ, આ વર્ષે ઠંડીની વિદાય સાથે જ ઉનાળાએ વહેલી દસ્તક આપી દીધી છે. ફેબ્રુઆરી મહિનો અડધો પૂરો થાય તે પહેલા જ રાજ્યના અનેક શહેરોમાં ગરમીનો પારો આસમાનને આંબી રહ્યો છે. હવામાન વિભાગે આગામી દિવસોમાં આકરી ગરમી પડવાની ચેતવણી આપી છે. આ વધતું તાપમાન માત્ર અકળાવનારું જ નહીં, પરંતુ આરોગ્ય માટે પણ જોખમી સાબિત થઈ શકે છે. નિષ્ણાંતોના મતે ફેબ્રુઆરીના અંત સુધીમાં તાપમાનનો પારો સીધો 41 ડિગ્રી સુધી પહોંચી શકે છે. ફેબ્રુઆરીના છેલ્લા સપ્તાહમાં જ લોકોને કાળઝાળ ગરમીનો સામનો કરવા માટે તૈયાર રહેવું પડશે. માર્ચ અને એપ્રિલ મહિનામાં પણ ગરમીનું મોજું યથાવત રહેવાની શક્યતા હવામાન નિષ્ણાતોએ વ્યક્ત કરી છે.