મહાવીર જયંતિ, હનુમાન જયંતિ અને ગુડ ફ્રાઇડેની રજાના કારણે બેંકો બંધ રહેતા ગ્રાહકોમાં નારાજગી
મોટી સંખ્યામાં લોકોએ એટીએમમાંથી રૂપિયા ઉપાડતા ઘણા મશીનો ખાલી થઈ ગયા
બેંકો ખુલ્યા બાદ લોકો મોટી સંખ્યામાં બેંકમાં જોવા મળશે, કલાકો સુધી લાઈનમાં ઊભું રહેવું પડશે
વડોદરા તારીખ 2
સરકારી તેમજ ખાનગી ક્ષેત્રના અનેક કર્મચારીઓનો પગાર દર મહિને એક તારીખની આસપાસ તેમના બેંક ખાતામાં જમા થતો હોય છે. આ સાથે પેન્શનધારકોના ખાતામાં પણ મહિનાના અંતિમ દિવસોમાં પેન્શનની રકમ જમા થતી હોવાથી તેઓ મહિનાની શરૂઆતમાં બેંકમાં જઈ પોતાની જરૂરિયાત મુજબ રકમ ઉપાડી લેતા હોય છે. બેંકો બંધ રહેતા લોકો એટીએમ પર ધસારો બોલાવ્યો હતો અને રૂપિયા ઉપાડી લેવાના કારણે ઘણી બેંકોના એટીએમ ખાલી થઈ ગયા હતા. સામાન્ય રીતે દર મહિને એકથી પાંચ તારીખ વચ્ચે બેંકોમાં ગ્રાહકોની ભારે ભીડ જોવા મળતી હોય છે.
પરંતુ માર્ચ મહિનાના અંત અને એપ્રિલ મહિનાની શરૂઆતમાં આવેલી સળંગ ત્રણ દિવસની રજાઓને કારણે આ વખતે લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. પહેલી એપ્રિલે મહાવીર જયંતિ, બીજી એપ્રિલે હનુમાન જયંતિ અને ત્રીજી એપ્રિલે ગુડ ફ્રાઇડેની રજા હોવાના કારણે બેંકો સતત ત્રણ દિવસ બંધ રહી હતી.
આ પરિસ્થિતિમાં ઘણા પેન્શનધારકો અને કર્મચારીઓ પોતાના ખાતામાં જમા થયેલી રકમ હોવા છતાં તેને ઉપાડી શક્યા નહોતા. ખાસ કરીને દૈનિક ખર્ચ માટે રોકડ પર આધાર રાખતા લોકો માટે આ પરિસ્થિતિ વધુ કઠિન બની હતી. અનેક લોકોએ જરૂરી ખર્ચ, દવાઓ અને ઘરગથ્થુ જરૂરિયાતો પૂરી કરવામાં તકલીફનો સામનો કર્યો હતો.
સળંગ રજાઓ પૂર્ણ થયા બાદ બેંકો ખુલતા જ હવે શહેરની વિવિધ શાખાઓ બહાર ગ્રાહકોની લાંબી લાઈનો લાગેલી જોવા મળશે. ભારે ભીડને કારણે ગ્રાહકોને લાંબા સમય સુધી રાહ જોવી પડશે.
ઉપરાંત, સતત ત્રણ દિવસ બેંકો બંધ રહેતા ક્લિયરિંગ પ્રક્રિયા પણ અટવાઈ ગઈ હોવાનું જાણવા મળી રહ્યું છે. ચેક ક્લિયરિંગ અને અન્ય ટ્રાન્ઝેક્શન સમયસર પૂર્ણ ન થતાં વેપારીઓ અને સામાન્ય લોકો બંનેને અસર પહોંચી હતી. બેંકો બંધ હોવાના કારણે લોકોએ એટીએમ પર આવ્યો હતો અને મશીનમાંથી રૂપિયા ઘણી જગ્યા પર એટીએમ પણ ખાલી થઈ ગયા હતા જેના કારણે લોકોને ભારે મુશ્કેલીનો સામનો પણ કરવો પડ્યો હતો.
- રોકડમાં લોનનો હપ્તો ચૂકવતા લોકો ઉછીના રૂપિયા લેવા પડ્યા
બેન્કોમાં સતત રજાઓ હોવાને કારણે સામાન્ય લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. ખાસ કરીને લોનના હપ્તા ભરતા ગ્રાહકો માટે પરિસ્થિતિ વધુ કઠિન બની હતી. સમયસર રૂપિયા ઉપાડવામાં અસમર્થ રહેલા ઘણા લોકોએ હપ્તાની રકમ ચૂકવવા માટે મિત્રો, સગા સંબંધીઓ અથવા ઓળખીતાઓ પાસેથી ઉછીના રૂપિયા લેવા પડ્યા હતા. કેટલાક કેસોમાં મોડું ચૂકવવાથી દંડ ભરવાનો ભય પણ લોકોમાં જોવા મળ્યો હતો. બેન્કિંગ સેવાઓ બંધ રહેતા નાણાકીય વ્યવહારો પર સીધી અસર પડી હતી, જેના કારણે ગ્રાહકોમાં અસંતોષ અને ચિંતા વધી હતી.