Kalol

સરસ્વતી વિદ્યામંદિર, કાલોલ ખાતે ‘પરીક્ષા પે ચર્ચા–2026’ કાર્યક્રમનું સફળ આયોજન


કાલોલ:
કાલોલ સ્થિત સિદ્ધનાથ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત સરસ્વતી વિદ્યામંદિર ખાતે ભારત સરકારના શિક્ષણ મંત્રાલય દ્વારા આયોજિત ‘પરીક્ષા પે ચર્ચા–2026’ કાર્યક્રમની 9મી આવૃત્તિનું ઉત્સાહપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ અંતર્ગત શાળાના વિદ્યાર્થીઓ, શિક્ષકો તેમજ વાલીઓ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સંવાદનું જીવંત પ્રસારણ જોવા વિશેષ વ્યવસ્થા કરવામાં આવી હતી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના સંબોધનમાં દેશભરના વિદ્યાર્થીઓને જણાવ્યું હતું કે પરીક્ષા જીવનનો અંત નથી, પરંતુ એક નાનકડો પડાવ માત્ર છે. પરીક્ષાને દબાણ વગર આપવાની તેમની પ્રેરણાદાયી વાતો અને વ્યવહારુ મંત્રો વિદ્યાર્થીઓએ ખૂબ જ રસપૂર્વક સાંભળ્યા હતા. ખાસ કરીને ધોરણ 10 અને 12ના બોર્ડના વિદ્યાર્થીઓ માટે સમય પાલન, આત્મવિશ્વાસ અને એકાગ્રતા અંગે આપેલા સૂચનો અત્યંત માર્ગદર્શક રહ્યા હતા.
આ પ્રસારણ દરમિયાન વિદ્યાર્થીઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. વડાપ્રધાનએ વાલીઓને પણ અપીલ કરી હતી કે બાળકો પર બિનજરૂરી અપેક્ષાઓનો ભાર ન મૂકતા તેમનું મનોબળ વધારવામાં સહયોગ આપવો જોઈએ.
કાર્યક્રમના અંતે શાળાના આચાર્ય રિતેશ પંડ્યાએ જણાવ્યું હતું કે, “વડાપ્રધાનનો આ પ્રયાસ ગ્રામીણ તથા શહેરી વિસ્તારોના વિદ્યાર્થીઓ માટે સમાન રીતે પ્રેરણાદાયી છે. આ કાર્યક્રમ દ્વારા વિદ્યાર્થીઓમાં પરીક્ષા પ્રત્યેનો ભય ઓછો થયો છે અને આત્મવિશ્વાસમાં વધારો થયો છે.”

રિપોર્ટર: વીરેન્દ્ર મહેતા

Most Popular

To Top