Vadodara

સરપંચની ચૂંટણીના ઉમેદવારને મત નહીં આપનારનો રસ્તો બંધ કર્યો

સાવલી તાલુકાના કરચિયા ગામની વડીલોપાર્જિત જમીનમા અવર જવરના માર્ગ પર ટન બંધ માટી નાંખી દીધી

વડોદરા: ખેડૂતની વડીલોપાર્જિત જમીનમાં જવા આવવા માટેના રસ્તા પર ત્રણ જેટલા ડમ્પર દ્વારા માટી નાખીને માથાભારે ઈસમે રસ્તો બંધ કરી દીધો હતો. સરપંચની ચૂંટણીમાં ઉભા રહેલા ઉમેદવારે મત કેમ ના આપ્યાનું બહાનું કાઢીને ઝઘડો કર્યો હતો તેથી મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો.
પોલીસ સુત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર સાવલી તાલુકાના કરચિયા ગામના પાણીની ટાંકી પાસે ગુલામ મોઇનુદ્દીન રાણા રહે છે. તેઓએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે તેમની પાડોશમાં મુસ્તાકમોહમ્મદ વલીમોહમ્મદ રણા રહે છે. કરચિયા ગામની સીમમા ગુલામની જમીન આવેલી છે. જે જમીનો વડીલોપાર્જિત છે. આ જમીનમાં આવવા- જવા માટે રસ્તો તેમના કરચિયા ગામની નગરીમાંથી પસાર થઈ ગુલામના ખેતરમા જાય છે. તે રસ્તા પર મુસ્તાકે રાતોરાત ગેરકાયદેસર રીતે ત્રણ ડમ્ફરો જેટલી માટીના વિશાળ ઢગલાઓ કરી નાખતા રસ્તો જ બંધ કરી દીધો હતો.
આવુ ગેરકાનૂની કૃત્ય કરવા બદલ ગુલામ મુસ્તાકને કહ્યું કે આ જાહેર રસ્તો છે, છતાં વચોવચ તમે માટીના ઢગલાઓ કેમ કર્યા ? અમારે અવર જવર કેવી રીતે કરવી? તદ્દન સામાન્ય વાતચીતમાં મુસ્તાક ગુલામ ઉશ્કેરાયો હતો.ધમકી ભર્યા સ્વરે કહ્યું કે, તે મને ગ્રામ પંચાયતની સરપંચની ચૂંટણીમાં વોટ આપ્યો નથી, હું તમને આ નગરીના રસ્તામાંથી નહી જ જવા દઉં, તારાથી જે થાય તે કરી લેજે માટી આજે પણ નઈ હટે અને ભવિષ્યમાં પણ નહી હટે. કહી ઝઘડો તકરાર કરી ધમકીઓ આપી હતી. બનાવ ના પગલે ફફડી ઉઠેલl જમીન માલિકે કાયદાકીય કાર્યવાહી કરવા સાવલી પોલીસ મથકે પહોંચ્યો હતો. પોલીસે મુસ્તાક વિરુદ્ધ ફરિયાદ નોંધી આગળની તપાસ શરૂ કરી છે.

Most Popular

To Top