Charotar

સરદાર ભુવનના દુકાનદારો માટે 2.50 કિલોમીટર દૂર કશીબા પાર્ક જ વિકલ્પ

  • હાઇકોર્ટે વિકલ્પ તૈયાર થતા જ દુકાનો ખાલી કરવા માટે સૂચના આપી
    (પ્રતિનિધિ) નડિયાદ, તા.1
    નડિયાદમાં સરદાર ભુવનની દુકાનો ખાલી કરાવવા મામલે હાઇકોર્ટમાં સુનાવણી ચાલી રહી હતી. આજે હાઇકોર્ટે આ મામલે હુકમ કરતા જણાવ્યું કે નડિયાદ મહાનગરપાલિકા વિકલ્પ તૈયાર કરીને આપે તે બાદ વેપારીઓએ સરદાર ભુવનની દુકાન ખાલી કરી આપવાની રહેશે.
    મળતી માહિતી મુજબ આજે હાઇકોર્ટમાં સરદાર ભુવનના દુકાનદારોની પિટિશન અંગે હાઇકોર્ટે મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. જેમાં નડિયાદ મહાનગરપાલિકાએ અગાઉ હાઇકોર્ટના નિર્દેશ બાદ આ સરદાર ભુવનના દુકાનદારોને નડિયાદ પશ્ચિમમાં વૈશાલી સિનેમાથી ઇન્દિરા ગાંધી માર્ગ ઉપર આગળ જઈ કશીબા પાર્ક પાસે તંત્રની અન્ય દુકાનોને વિકલ્પ તરીકે સૂચવી હતી. આ પછી દુકાનદારો દ્વારા વારંવાર હાઇકોર્ટ સમક્ષ આ દુકાનો વિકલ્પ તરીકે યોગ્ય ન હોય અને સરદાર ભુવન પાસે તંત્ર દુકાનો પરત લઈ રહ્યું હોય ત્યારે તે જ વિસ્તારમાં અન્યત્ર વ્યવસ્થા કરી આપવા માટે માંગણી કરી હતી. જોકે આ વચ્ચે આજે હાઇકોર્ટે મહાનગરપાલિકા દ્વારા સૂચવેલી કશીબા પાર્ક પાસેના કોમ્પ્લેક્સની જ દુકાનો નો વિકલ્પ મંજુર રાખ્યો છે અને આ વિકલ્પ તૈયાર થઈ જાય ત્યાં સુધી દુકાનદારો સરદાર ભુવનમાં પોતાની દુકાન ચલાવી શકશે અને બાદમાં વિકલ્પ તૈયાર થઈ જતા તુરંત સરદાર ભુવનની દુકાનો ખાલી કરી આપવા માટે સૂચના આપી દીધી છે. હાઇકોર્ટના આ નિર્ણય બાદ નડિયાદ મહાનગરપાલિકાના પ્રશાસનને રાહતના શ્વાસ લીધા છે.

Most Popular

To Top