Charotar

સરદાર પટેલ યુનિવર્સિટી દ્વારા સ્વાધ્યાય પરિવારના અધ્યક્ષા પૂજ્ય દીદીજીને ‘D.Litt.’ ની માનદ પદવી અર્પણ કરાઇ

સામાજિક, શૈક્ષણિક અને આધ્યાત્મિક યોગદાન બદલ સન્માન

આણંદ:; સરદાર પટેલ યુનિવર્સિટી, વલ્લભ વિદ્યાનગરના ૬૮માં દીક્ષાંત સમારંભમાં સ્વાધ્યાય પ્રવૃત્તિના પ્રેરક બળ અને વૈશ્વિક નેતૃત્વ પૂરું પાડનાર પૂજ્ય દીદીજી (શ્રીમતી જયશ્રી ઉર્ફે ધનશ્રી આઠવલે તલવલકર) ને તેમના અપ્રતિમ સામાજિક, શૈક્ષણિક અને આધ્યાત્મિક યોગદાન બદલ ‘Doctor of Letters’ (D.Litt.) ની રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના હસ્તે માનદ પદવીથી વિભૂષિત કરવામાં આવ્યા હતા.

પૂજ્ય દીદીજી, પરમ પૂજ્ય પાંડુરંગ શાસ્ત્રીજી (પૂજ્ય દાદાજી) ના સુપુત્રી અને તેમના વૈચારિક વારસદાર છે. તેઓ એમ.એ. (M.A.) સુધીનો અભ્યાસ ધરાવે છે અને તત્વજ્ઞાન તથા સાહિત્યમાં ઊંડી રુચિ ધરાવતા કવિયત્રી પણ છે. પૂજ્ય દાદાજીએ સ્થાપેલી વૈશ્વિક સ્વાધ્યાય પ્રવૃત્તિનું તેઓ કુશળતાપૂર્વક સંચાલન કરી રહ્યા છે અને તેને નવા આયામો સુધી પહોંચાડી છે. ઈરાનના શિક્ષણ મંત્રી ડો. મજીદ રહેનુમાએ તેમને “Youngest Mother of Largest Family” તરીકે બિરદાવ્યા છે.

વિશિષ્ટ પ્રદાન અને કાર્યક્ષેત્ર:

લોક શિક્ષક તરીકે: પૂજ્ય દીદીજીએ આચારલક્ષી સ્વાધ્યાય પર ભાર મૂકીને એક સાચા ‘લોક શિક્ષક’ તરીકેની ભૂમિકા ભજવી છે. તેમણે લાખો નિરક્ષર બહેનો માટે પ્રૌઢ શિક્ષણ વર્ગો શરૂ કરાવ્યા છે, જેથી તેઓ સંસ્કૃતના શ્લોકો પણ કંઠસ્થ કરી શકે. તત્વજ્ઞાન વિદ્યાપીઠ દ્વારા હજારો સ્નાતકોને પૂર્વ અને પશ્ચિમના તત્વજ્ઞાનથી સજ્જ કરવામાં તેમનું યોગદાન અમૂલ્ય છે.

* વ્યસન મુક્તિ અને સામાજિક પરિવર્તન:

તેમની પ્રેરણાથી લાખો યુવાનો વ્યસનો છોડીને રચનાત્મક કાર્યો તરફ વળ્યા છે. તેમણે મહિલાઓમાં આત્મગૌરવ જગાડીને નારી સશક્તિકરણનું મોટું કાર્ય કર્યું છે.

સ્વાસ્થ્ય અને સ્વચ્છતા:

વનવાસી અને પછાત વિસ્તારોમાં તબીબી સેવાઓ પહોંચાડવા તેમણે ડોક્ટરોને પ્રેરિત કર્યા છે. ‘આરોગ્ય સંયુજ’ અને ‘પતંજલિ સ્વાસ્થ્ય કેન્દ્ર’ જેવા પ્રયોગો દ્વારા ઘરે-ઘરે સ્વાસ્થ્ય જાગૃતિ ફેલાવી છે. વનવાસી અને માછીમાર બહેનો માટે વ્યક્તિગત અને સામૂહિક શૌચાલયોનું નિર્માણ કરાવી સામાજિક ક્રાંતિ કરી છે.

રક્ત સમર્પણ અને માનવ સેવા: “બીજામાં રહેલા ભગવાન પર રક્તનો અભિષેક” એવી ઉમદા ભાવના સાથે તેમણે ‘રક્ત સમર્પણ’ જેવા કાર્યક્રમો દ્વારા હજારો યુવાનોને રક્તદાન માટે પ્રેરિત કર્યા છે.

પર્યાવરણ અને ગ્રામોત્થાન: યોગેશ્વર કૃષિ, મત્સ્યગંધા, વૃક્ષમંદિર અને જળસંચય જેવા નવતર પ્રયોગો દ્વારા તેમણે પર્યાવરણ સુરક્ષા અને ગ્રામીણ અર્થતંત્રને મજબૂત બનાવવાનું કાર્ય કર્યું છે. પૂજ્ય દીદીજીનું સમગ્ર જીવન “Bhakti is a Social Force” ના સિદ્ધાંતને ચરિતાર્થ કરે છે.
****

Most Popular

To Top