3000 જેટલા શ્રમિકોની રોજીરોટી જોખમમાં, ગેસના અભાવે ઉત્પાદન ઠપ થતાં ઉદ્યોગકારો ‘લઘુ ઉદ્યોગ ભારતી’ના નેજા હેઠળ મેદાને

(પ્રતિનિધિ), વડોદરા. તા.23
વડોદરાના ઔદ્યોગિક નકશામાં મહત્વનું સ્થાન ધરાવતા સરદાર ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટના સાયન્ટિફિક ગ્લાસ મેન્યુફેક્ચરિંગ એકમો હાલ અસ્તિત્વની લડાઈ લડી રહ્યા છે. લાંબા સમયથી ગેસ પુરવઠાની અનિયમિતતા અને અછતને કારણે આ ઉદ્યોગ મૃતપ્રાય અવસ્થામાં આવી ગયો છે. આ ગંભીર કટોકટીનો ઉકેલ લાવવા માટે આજે ‘સાયન્ટિફિક ગ્લાસ મેન્યુફેક્ચરર્સ એસોસિએશન’ અને ‘લઘુ ઉદ્યોગ ભારતી’ ના પ્રતિનિધિ મંડળે જિલ્લા કલેક્ટરને મળીને ઉગ્ર રજૂઆત કરી હતી. આજવા રોડ ખાતે આવેલા સરદાર ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં આશરે 32 થી 33 જેટલા સ્પેશિયલ ગ્લાસ યુનિટો કાર્યરત છે. અહીં તૈયાર થતા સાયન્ટિફિક ગ્લાસ (SSGL) અને કાચના ઉપકરણોનો ઉપયોગ ફાર્માસ્યુટિકલ કંપનીઓ, મેડિકલ લેબોરેટરી અને સંશોધન કેન્દ્રોમાં મોટા પાયે થાય છે. ગેસ પુરવઠો ખોરવાતા આ એકમોમાં ઉત્પાદન સાંકળ તૂટી ગઈ છે. જો આ ઉદ્યોગ લાંબો સમય બંધ રહેશે, તો તેની સીધી અસર દવાઓના ઉત્પાદન પર પણ પડી શકે છે. માત્ર મશીનો જ નહીં, પરંતુ માનવ સંસાધન પર પણ આની માઠી અસર પડી રહી છે. એસોસિએશનના જણાવ્યા મુજબ, આ એકમોમાં પ્રત્યક્ષ રીતે 2500 થી 3000 શ્રમિકો કાર્યરત છે. ઉત્પાદન બંધ થવાને કારણે આ શ્રમિકો અને તેમના પરિવારોની આજીવિકા પર મોટું સંકટ તોળાઈ રહ્યું છે. ઉદ્યોગકારોની હાલત એવી છે કે જો ટૂંક સમયમાં ગેસ ન મળે, તો એકમો કાયમી ધોરણે બંધ કરવા સિવાય કોઈ રસ્તો બચશે નહીં. ઉદ્યોગકારોની વેદના સાંભળ્યા બાદ જિલ્લા કલેક્ટર દ્વારા હકારાત્મક વલણ અપનાવવામાં આવ્યું છે. ઉદ્યોગકારોએ જણાવ્યું હતું કે, કલેક્ટરએ અમને સંપૂર્ણ બાહેધરી આપી છે કે બે થી ત્રણ દિવસમાં ગેસ પુરવઠો પૂર્વવત કરવા માટે જરૂરી ઓર્ડર આપવામાં આવશે. અમને વહીવટી તંત્ર પર પૂર્ણ વિશ્વાસ છે કે તેઓ ઉદ્યોગો અને શ્રમિકોના હિતમાં ત્વરિત નિર્ણય લેશે. આમ, વડોદરાના ગ્લાસ ઉદ્યોગને નવજીવન મળે તે માટે હવે સૌની નજર આગામી 48 થી 72 કલાક પર ટકેલી છે.