પૂર્વ વિપક્ષ નેતા અમી રાવતે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીને ખુલ્લો પત્ર લખીને વડોદરામાં હાલના પૂર અને નદી સંકટ મુદ્દે ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે. તેમણે વિશ્વામિત્રી અને ભુખી નદીઓ પર દબાણ દૂર કરવાની, નદીઓના મૂળ પ્રવાહને પુનઃજીવિત કરવાની અને એન.જી.ટી.ના આદેશોને અમલમાં મુકવાની કડક માંગ ઊભી કરી છે. પત્રમાં અમીબેને કહ્યું કે, સતત પૂરથી વડોદરાના નાગરિકોને કરોડો રૂપિયાનું નુકસાન થાય છે ત્યારે ચોક્કસ દબાણો જેમ કે અગોરા, ભીમનાથ, સમા-હરણી લિંક બ્રિજ ઉપરથી તાત્કાલિક કાર્યવાહી થવી જોઈએ. તેમણે ખાસ ઉલ્લેખ કર્યો કે ભુખી નદીના રૂટ ડાઇવર્ટને NGTના આદેશ વિરુદ્ધ ગણાવી બંધ કરવાની જરૂર છે.
તેમણે ગૃહમંત્રીએ કરેલી 100 દિવસમાં ઐતિહાસિક કામગીરીના દાવાને નકારીને કહ્યું કે, “3300 કરોડના સમગ્ર નવલાવાલા સમિતિ પ્રોજેક્ટમાંથી માત્ર નાનો ભાગ અમલમાં આવ્યો છે અને તે પણ પૂર નિવારણમાં ફક્ત 40% લાભ આપે છે.” તેઓએ ઠપકો આપ્યો કે સરકારે 1200 કરોડની જાહેર થયેલી રકમ અંગે કોઈ સત્તાવાર પત્ર આપ્યો નથી, VMCના બજેટમાં કે રાજ્યના બજેટમાં આ ફંડનો ઉલ્લેખ નથી. તેમણે અગાઉના અટલ બ્રિજના ઉદાહરણથી સરકારના ખોટા વચનોને ઉજાગર કર્યા.

