વડોદરામાં ગરીબોના મકાનનું સપનું તોડ્યું: હાઉસિંગ વિભાગના એક અધિકારીની ગેરહાજરીએ સેંકડો લાભાર્થીઓને રડાવ્યા!
એક તરફ ઠંડી અને બીજી તરફ અધિકારીની મનમાની; જવાબદાર સામે સખત કાર્યવાહી કરવાની માગણી ઉઠી
વડોદરા: શહેરના એફોર્ડેબલ હાઉસિંગ વિભાગની ઘોર બેદરકારીને કારણે આજે એક અજીબ પરિસ્થિતિ સર્જાઈ હતી. મકાનની ફાળવણી માટે મેસેજ દ્વારા બોલાવવામાં આવેલા સેંકડો લાભાર્થીઓને અધિકારીઓની ગેરહાજરીના કારણે ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો, જેના પગલે લાભાર્થીઓમાં રોષની લાગણી ફેલાઈ હતી અને પરિસ્થિતિ તંગ બની હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર, વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તકના એફોર્ડેબલ હાઉસિંગ વિભાગ દ્વારા વિવિધ હાઉસિંગ યોજનાઓ હેઠળના મકાનોની ફાળવણીની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. આ પ્રક્રિયાના ભાગરૂપે, વિભાગે પૂર્વ નિર્ધારિત તારીખ અને સમય પર મકાન ફાળવણી સંબંધિત કાર્યવાહી માટે મોટી શહેરના અકોટા વિસ્તારના સયાજીરાવ નગર ગૃહમાં સંખ્યામાં લાભાર્થીઓને તેમના મોબાઈલ પર SMS દ્વારા બોલાવ્યા હતા.
લાભાર્થીઓ તેમના પરિવારજનો સાથે સવારે નક્કી કરેલા સ્થળે સમયસર પહોંચી ગયા હતા. પરંતુ, લાંબા સમય સુધી રાહ જોયા બાદ પણ વિભાગના જવાબદાર અધિકારીઓ સ્થળ પર હાજર ન થતા લાભાર્થીઓમાં કચવાટ શરૂ થયો હતો.

એક તરફ કડકડતી ઠંડી અને બીજી તરફ અધિકારીઓના ઠેકાણા ન હોવાથી લાંબા સમય સુધી લાઇનમાં ઊભા રહેલા લાભાર્થીઓનો આક્રોશ આખરે ફાટી નીકળ્યો હતો. દૂર-દૂરના વિસ્તારોમાંથી આવેલા અને દૈનિક મજૂરી ગુમાવીને આવેલા લાભાર્થીઓએ આ બેદરકારી સામે ભારે વિરોધ નોંધાવ્યો હતો.
લાભાર્થીઓના વિફરવાના પગલે સ્થળ પર હંગામો મચી ગયો હતો.

આખરે, સ્થળ પર હાજર વિભાગના નીચલા સ્તરના કર્મચારીઓએ લાભાર્થીઓને શાંત પાડવાનો પ્રયાસ કર્યો હતો અને દાવો કર્યો હતો કે અધિકારી કોઈ અનિવાર્ય કારણોસર ગેરહાજર છે અને આવતી કાલે ગુરુવારે આજવારોડ સ્થિત દીનદયાળ નગર ગૃહ ખાતે રાખવામાં આવ્યો છે. જોકે, લાભાર્થીઓ આ વાત માનવા તૈયાર નહોતા.
આ સમગ્ર મામલે, શહેરના રાજકીય અને સામાજિક આગેવાનોએ પણ હાઉસિંગ વિભાગની આ બેદરકારીની સખત નિંદા કરી છે અને તાત્કાલિક ધોરણે આ ઘટના માટે જવાબદાર અધિકારીઓ સામે કડક પગલાં લેવાની માંગ કરી છે, જેથી ભવિષ્યમાં ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને આ રીતે હેરાનગતિ ન થાય.
અમારી સાથે મજાક …

એક લાભાર્થીએ રોષપૂર્વક જણાવ્યું હતું કે, “અમને સત્તાવાર મેસેજ દ્વારા બોલાવવામાં આવ્યા હતા. અમે અમારી મજૂરી મૂકીને અહીં આવ્યા છીએ. જો અધિકારીને રજા લેવી હતી કે કોઈ અનિવાર્ય કામ હતું, તો ઓછામાં ઓછું એક પૂર્વ સૂચના અથવા બીજો મેસેજ કેમ ન કર્યો? આ સીધી-સીધી અમારી સાથે મજાક છે.”
– VMC ની કેટલી મોટી બેદરકારી…

મહિલા લાભાર્થીએ કહ્યું, “અમે સવારના 9 વાગ્યાથી અહીં બેઠા છીએ. મકાન મળે તેવી આશા લઈને આવ્યા હતા, પણ અહીં તો કોઈ પૂછનારું જ નથી. આ વિભાગની કેટલી મોટી બેદરકારી છે, તેનો આ પુરાવો છે.”