Vadodara

સયાજી હોસ્પિટલ, સુવિધાના નામે ‘શો-પીસ’ અને દર્દીઓના નસીબે ‘સ્ટ્રગલ

લાખોના ‘ઈ-કાર્ટ’ કે તંત્રના ‘અહંકાર’નું પ્રદર્શન ?

20 લાખના ‘ઈ-કાર્ટ’ શોભાના ગાંઠિયા, વૃદ્ધ દર્દીના સ્વજનો જાતે સ્ટ્રેચર ખેંચવા મજબૂર

(પ્રતિનિધિ), વડોદરા. તા.28

વડોદરા :- મધ્ય ગુજરાતની સૌથી મોટી સયાજી હોસ્પિટલ ફરી એકવાર વિવાદોના વમળમાં છે. દર વખતે ‘સ્ટાફ નથી’ નું રટણ કરતું તંત્ર આ વખતે પોતાની વહીવટી નિષ્ફળતા છુપાવવામાં સાવ ઉઘાડું પડી ગયું છે. આ ઘટના માત્ર બેદરકારી નથી, પણ ગરીબ દર્દીઓની લાચારીની મજાક છે. હજુ માંડ બે દિવસ પહેલાં જ એકસરેલોન અને યુનાઈટેડ વે ઓફ વડોદરા દ્વારા અત્યંત ઉમદા ભાવના સાથે 20 લાખ રૂપિયાના ખર્ચે 4 અત્યાધુનિક ઈ-કાર્ટ અર્પણ કરવામાં આવ્યા હતા. હેતુ સાફ હતો, હોસ્પિટલના વિશાળ કેમ્પસમાં ગંભીર કે અશક્ત દર્દીઓને ટ્રોમા સેન્ટરથી એક્સ-રે કે સોનોગ્રાફી અને અન્ય કોઈ પણ હોસ્પિટલના પરિસરમાં જવા માટે વ્હીલચેર કે સ્ટ્રેચર પર ધક્કા ન ખાવા પડે. પરંતુ, લોકાર્પણના ફોટા પાડી લીધા પછી આ ઈ-કાર્ટ ક્યાં ગયા ? શું તે માત્ર વીઆઈપી મહેમાનોના સ્વાગત માટે છે ? કે પછી તે હોસ્પિટલના શો-કેસની શોભા વધારવા માટે છે ? હોસ્પિટલના પટાંગણમાં આજે એવા દ્રશ્યો જોવા મળ્યા જે જોઈને કોઈપણ સંવેદનશીલ માણસનું લોહી ઉકળી ઉઠે. એક વૃદ્ધાને તેમના પરિવારજનો ધોમધખતા તાપમાં જાતે સ્ટ્રેચર ખેંચીને સોનોગ્રાફી રૂમ સુધી લઈ જઈ રહ્યા હતા. જ્યારે આ પરિવાર પરસેવે રેબઝેબ થઈને સ્ટ્રેચર ખેંચતો હતો, ત્યારે 20 લાખના ઈ-કાર્ટ શોભાના ગાંઠિયા બનીને ઊભા હતા ? હોસ્પિટલના સુપ્રિટેન્ડન્ટ ડૉ. રંજન ઐયર પાસે જ્યારે પણ કોઈ સમસ્યાનો જવાબ માંગવામાં આવે ત્યારે તેઓ દર વખતે એક જ તૈયાર ભાણું પીરસે છે, “સ્ટાફનો અભાવ છે.” પરંતુ આ વખતે દ્રશ્યો કંઈક અલગ જ વાર્તા કહી રહ્યા છે. અહીં સ્ટાફની કમી કરતા સંચાલનનો અભાવ વધુ સ્પષ્ટ દેખાય છે. જો સ્ટાફ નથી, તો 20 લાખની સુવિધા સ્વીકારી જ કેમ ? શું આ ઈ-કાર્ટ ચલાવવા માટે પીએચડી કરેલા નિષ્ણાતોની જરૂર છે ? કે પછી હોસ્પિટલના એસી કેબિનમાં બેસતા અધિકારીઓને ગ્રાઉન્ડ લેવલ પર શું ચાલી રહ્યું છે તેની કોઈ પડી જ નથી ? સયાજી હોસ્પિટલના વહીવટી અધિકારીઓએ હવે એસી ઓફિસમાં આરામ છોડીને દર્દીઓની લાઈનમાં ઉભા રહેવાની જરૂર છે. ઈ-કાર્ટ કયા ખૂણે ધૂળ ખાય છે અને તેનો ઉપયોગ દર્દીઓને બદલે કોણ કરી રહ્યું છે, તેની તપાસ થવી જોઈએ. જો દાનમાં મળેલી સુવિધાઓ પણ જનતા સુધી ન પહોંચતી હોય, તો એ વહીવટને ‘નિષ્ફળ’ જ ગણવામાં આવે. જો દાતાઓ દર્દીઓની પીડા સમજીને લાખોનું દાન કરી શકતા હોય, તો સરકારી પગાર લેતા અધિકારીઓ આ સુવિધાનો અમલ કેમ નથી કરાવી શકતા ? સયાજી હોસ્પિટલમાં સુવિધાઓની કમી નથી, પણ તે સુવિધાઓને યોગ્ય રીતે ચલાવવાની દાનતની કમી છે. જો જનતાની સેવા ન થઈ શકે, તો આવી મોંઘી ભેટ-સોગાદોનો કોઈ અર્થ રહેતો નથી. તંત્રએ ‘સ્ટાફની અછત’ના બહાના છોડી જવાબદારી સ્વીકારવી પડશે.

Most Popular

To Top