Vadodara

સયાજી હોસ્પિટલ સુવિધાઓનું ‘શો-પીસ’ પ્રદર્શન કે દર્દીઓની મજાક ?

કરોડોના દાન અને લાખોના ઈ-કાર્ટ વચ્ચે પણ દર્દીઓના નસીબમાં તો ‘સેલ્ફ-સર્વિસ’ જ, સ્ટાફના અભાવે આધુનિક સાધનો બનશે ભંગાર ?

(પ્રતિનિધિ), વડોદરા. તા.25

વડોદરા :- સયાજી હોસ્પિટલના વિશાળ કેમ્પસમાં ₹20 લાખના ખર્ચે 4 નવા ઈ-કાર્ટ આવ્યાના સમાચાર જેટલા ચમકદાર લાગે છે, વાસ્તવિકતા એટલી જ અંધકારમય છે. એક્સેરોલોન અને યુનાઇટેડ વે ઓફ વડોદરાના સહયોગથી મળેલી આ સુવિધા ‘સેવાનો નવો અધ્યાય’ ઓછો અને ‘ધૂળ ખાતા સાધનોની નવી યાદી’ વધુ જણાય છે. સયાજી હોસ્પિટલના ઇતિહાસ પર નજર કરીએ તો CSR ફંડ હેઠળ અહીં એસી મશીનોથી લઈને એમ્બ્યુલન્સ સુધીનું ઘણું દાન ઠલવાયું છે. પરંતુ કમનસીબી એ છે કે, આ સાધનો ચલાવવા માટે જરૂરી માનવબળ (સ્ટાફ) લાવવામાં તંત્ર હંમેશા નિષ્ફળ રહ્યું છે. જ્યારે ખુદ હોસ્પિટલના સુપ્રિટેન્ડન્ટ ડૉ. રંજન ઐયર જાહેરમાં સ્વીકારી ચૂક્યા હોય કે હોસ્પિટલ સ્ટાફની ભયંકર અછત સામે ઝઝૂમી રહી છે, ત્યારે આ 4 ઈ-કાર્ટ ચલાવશે કોણ ? ભૂતકાળમાં પણ અનેક સાધનો સ્ટાફ કે મેન્ટેનન્સના અભાવે હોસ્પિટલના ખૂણે ખૂણે ભંગાર હાલતમાં જોવા મળ્યા છે. આ ઈ-કાર્ટ પણ થોડા દિવસોના ફોટા-સેશન પછી કોઈ ખૂણે શોભાના ગાંઠિયા બનીને પડ્યા રહેશે તેવી પૂરેપૂરી શક્યતા છે. આજે પણ સયાજીમાં વ્હીલચેર કે સ્ટ્રેચર ખેંચવા માટે વોર્ડ બોય મળતા નથી. વૃદ્ધ અને લાચાર દર્દીઓના સગા જાતે જ સ્ટ્રેચર ધકેલતા જોવા મળે છે. શું આ ઈ-કાર્ટ પણ દર્દીના સગાઓએ જ ધક્કા મારીને ચલાવવા પડશે ? દાન આપનાર કંપનીઓ પોતાનું નામ રોશન કરીને જતી રહે છે, પરંતુ તેનું સંચાલન કરવામાં વહીવટી તંત્રની ઉદાસીનતા હંમેશા નડતરરૂપ બને છે. સ્ટાફ વગરની આવી ‘હાઈ-ટેક’ સુવિધાઓ સામાન્ય જનતાના કરવેરા અને દાનના નાણાંનો વેડફાટ માત્ર છે. માત્ર મશીનો વધારવાથી હોસ્પિટલ ‘પેશન્ટ ફ્રેન્ડલી’ નથી બનતી. જ્યાં સુધી પૂરતો સ્ટાફ અને મેન્ટેનન્સની દાનત નહીં હોય, ત્યાં સુધી આ 20 લાખના ઈ-કાર્ટ માત્ર હોસ્પિટલના પાર્કિંગની શોભા વધારશે, દર્દીઓની પીડા નહીં ઘટાડે.

Most Popular

To Top