Vadodara

સયાજી હોસ્પિટલ નજીકના ગેરકાયદે ગેરેજ અને ઝૂંપડા તોડી પાડાયા

પાલિકા દબાણ શાખાની મોટા પાયે કાર્યવાહી, બે ટ્રક સામાન કબજે

વડોદરામાં શહેરના વિવિધ વિસ્તારમાંથી દબાણ દૂર કરવા માટે પાલિકા દબાણ શાખાએ આક્રમક અભિયાન હાથ ધર્યું છે. તાજેતરમાં, સયાજી હોસ્પિટલ સામે આવેલી જૂની આરાધના ટોકીઝ નજીક અને ખાસવાડી સ્મશાન રોડ પર આવેલા ગેરકાયદે ગેરેજ અને ઝૂંપડા હટાવવામાં આવ્યા. દબાણ શાખાની આ કામગીરી દરમિયાન વિશ્વામિત્રી નદીના કોતરોમાં વસેલાં મોટર ગેરેજના કેટલાય શેડ તોડી પાડવામાં આવ્યા. આ દરમ્યાન, બે ટ્રક ભરાઈ એટલો મોટર રીપેરીંગ અને ભંગારનો સામાન કબજે કરાયો હતો.

જ્યારે દબાણ શાખાની ટીમ ગેરકાયદે ગેરેજ તોડતી હતી, ત્યારે કેટલાક ભંગારવાળા અને અન્ય કોમના ટોળાઓ એકત્ર થયા અને તંગદિલીનું વાતાવરણ સર્જાયું. કોઈ અનિચ્છનિય બનાવ બને તે પહેલાં જ કારેલીબાગ પોલીસ ટીમે સ્થિતિ સંભાળી લીધી અને દબાણ હટાવવાની કામગીરી આરામથી પૂર્ણ થઈ. સયાજી હોસ્પિટલથી ખાસવાડી સ્મશાન અને કારેલીબાગ સુધીના વિસ્તારની બંને બાજુ ગેરકાયદે દબાણો દૂર કરવામાં આવ્યા. મોટા ભાગના મોટર ગેરેજ વાળાઓએ પોતાના માલસામાન અને જૂની ગાડીઓને ખૂણે ખસેડવાનો પ્રયાસ કર્યો, પરંતુ તંત્રએ દબાણ સાફ કરી દીધા હતા.

Most Popular

To Top