પેપર પર હાજર એમ્બ્યુલન્સ ડ્રાઈવર ગાયબ, સ્વજનોએ જાતે સ્ટ્રેચર ખેંચી મૃતદેહને PM રૂમ સુધી પહોંચાડ્યો
(પ્રતિનિધિ), વડોદરા. તા.27
વડોદરા :- ‘ગરીબોની જીવાદોરી’ ગણાતી મધ્ય ગુજરાતની સૌથી મોટી એસ.એસ.જી. (સયાજી) હોસ્પિટલ હવે ‘લાપરવાહીનું સરનામું’ બની ગઈ હોય તેમ લાગી રહ્યું છે. અહીં તંત્રની બેદરકારીનો વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. નાઈટ ડ્યુટીમાં એમ્બ્યુલન્સ ડ્રાઈવર કાગળ પર ‘હાજર’ હોવા છતાં, હકીકતમાં ગાયબ હતો. પરિણામે, પોતાના સ્વજન ગુમાવવાનું અસહ્ય દુઃખ વેઠી રહેલા પરિવારજનોએ અડધી રાત્રે જાતે જ સ્ટ્રેચર ખેંચીને મૃતદેહને પોસ્ટમોર્ટમ રૂમ સુધી લઈ જવાની ફરજ પડી હતી.

હોસ્પિટલના આ અમાનવીય વલણને કારણે મૃતકના પરિવારજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ગઈકાલે મોડી રાત્રે સયાજી હોસ્પિટલના કેમ્પસમાં જે દ્રશ્યો સર્જાયા તે જોઈને કોઈપણ પથ્થર દિલના માણસનું કાળજું કંપી ઉઠે. નિયમ મુજબ, વોર્ડમાંથી મૃતદેહને પીએમ રૂમ સુધી લઈ જવા માટે હોસ્પિટલની એમ્બ્યુલન્સ કે શબવાહિની ઉપલબ્ધ હોવી જોઈએ. જોકે, જ્યારે પરિવારે સહાય માંગી ત્યારે ડ્રાઈવર ક્યાંય દેખાયો નહીં. આશ્ચર્યની વાત એ છે કે હાજરી પત્રક પર ડ્રાઈવરની સહી હતી, પણ જરૂરિયાતના સમયે તે હોસ્પિટલ પરિસર માંથી ગૂમ હતો.

મૃતકના પરિવારજનોએ રાત્રિના અંધકારમાં, હૈયાફાટ રુદન વચ્ચે સ્ટ્રેચર જાતે જ ખેંચવાનું શરૂ કર્યું હતું. એક તરફ સ્વજનને ગુમાવ્યાનો શોક અને બીજી તરફ હોસ્પિટલ તંત્રની આ ભયાનક નિષ્ઠુરતા. સવાલ એ થાય છે કે શું સરકારી હોસ્પિટલમાં સામાન્ય માણસની કોઈ ગરિમા જ નથી ? જો ડ્રાઈવર ડ્યુટી પર ન હોય તો તેની હાજરી કોણે પૂરી ? શું આ આખું કૌભાંડ સુપરવાઈઝરની મિલીભગતથી ચાલે છે ? સુરક્ષા અને દેખરેખ ક્યાં ? હોસ્પિટલના સીસીટીવી કેમેરા અને સિક્યુરિટી ગાર્ડ શું ઊંઘતા હતા ? કે પછી તેમને પણ આ બધું જોવાની ટેવ પડી ગઈ છે ?

દર વખતે આવી ઘટનાઓ બને ત્યારે ‘તપાસ કરીશું’ એવો જવાબ આપીને મામલો કેમ દબાવી દેવામાં આવે છે ? આ ઘટના બાદ સયાજી હોસ્પિટલના વહીવટ સામે માછલાં ધોવાઈ રહ્યાં છે. શું આરોગ્ય મંત્રી આ મામલે હસ્તક્ષેપ કરશે ? શું ફરજ પર બેદરકાર રહેનારા ડ્રાઈવર અને તેને છાવરનાર અધિકારીઓ સામે કડક કાર્યવાહી થશે ? કે પછી ફરી એકવાર આ કિસ્સો ફાઈલોમાં દબાઈ જશે ?