સયાજી હોસ્પિટલના સુપ્રિટેન્ડન્ટ સાહેબની ‘ખખડામણી’ કામ ન આવી, દર્દીના સગાં બન્યા વોર્ડબોય



પ્રતિનિધિ), વડોદરા. તા.20
વડોદરા :- મધ્ય ગુજરાતની સૌથી મોટી સરકારી હોસ્પિટલ ગણાતી સયાજી હોસ્પિટલ (SSG) હાલ વિવાદોના ઘેરામાં છે. એક તરફ હોસ્પિટલને નેશનલ એક્રેડિટેશન બોર્ડ ફોર હોસ્પિટલ્સ (NABH) ના પ્રમાણપત્ર માટે સજ્જ કરવામાં આવી રહી છે, તો બીજી તરફ ગ્રાઉન્ડ ઝીરો પરની હકીકત કંઈક અલગ જ ચિત્ર રજૂ કરે છે. તાજેતરમાં સામે આવેલા દ્રશ્યોમાં દર્દીના સગાંઓ જાતે જ સ્ટ્રેચર ખેંચીને લઈ જતા જોવા મળતા હોસ્પિટલ તંત્રની કામગીરી સામે ગંભીર સવાલો ઉભા થયા છે. હજુ બે દિવસ અગાઉ જ હોસ્પિટલના સુપ્રીટેન્ડેન્ટ ડૉ. રંજન ઐયરએ સમગ્ર કેમ્પસની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન અનેક જગ્યાએ ક્ષતિઓ જણાતા તેમણે જવાબદાર અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોને આકરા શબ્દોમાં ખખડાવ્યા હતા. અધૂરા કામો અને સફાઈના અભાવે તેમનો પારો સાતમા આસમાને પહોંચ્યો હતો. જોકે, સુપ્રીટેન્ડેન્ટની આ ‘ખખડામણી’ની કોઈ ખાસ અસર જોવા મળી રહી નથી, કારણ કે દર્દીઓની હાલાકી હજુ પણ યથાવત છે. NABH ની ટીમની આજે મુલાકાત છે ત્યારે હોસ્પિટલ પ્રશાસન દ્વારા ઉતાવળે સમારકામ હાથ ધરવામાં આવ્યું છે. આશ્ચર્યની વાત એ છે કે, જે કામો હજુ અધૂરા છે અથવા જ્યાં ગંદકી છે, તેને લીલા કપડાં (ગ્રીન નેટ) લગાવીને ઢાંકી દેવામાં આવ્યા છે. લોકમુખે ચર્ચાઈ રહ્યું છે કે આ વિકાસ છે કે માત્ર મુલાકાતી ટીમને ગેરમાર્ગે દોરવા માટેનો ‘મેકઅપ’ ? અધૂરા બાંધકામોને ઢાંકવાથી સમસ્યા ઉકેલાતી નથી, પરંતુ માત્ર નજરથી દૂર થાય છે. સૌથી મોટો પ્રશ્ન એ ઉભો થાય છે કે કરોડોનું બજેટ ધરાવતી હોસ્પિટલમાં દર્દીના સગાએ સ્ટ્રેચર કેમ ખેંચવું પડે છે ?
- વર્ગ-4 ના સ્ટાફની અછત :- શું હોસ્પિટલમાં સ્ટ્રેચર ખેંચવા માટે પૂરતા વોર્ડબોય કે આયાબહેનો નથી ?
- સુપરવિઝનનો અભાવ :- જો સ્ટાફ હાજર છે, તો તેઓ પોતાની ફરજ કેમ નથી નિભાવી રહ્યા ?
- દર્દીઓની લાચારી :- દૂર-દૂરથી આવતા ગરીબ દર્દીઓ વ્યવસ્થાના અભાવે જાતે જ મજૂરી કરવા મજબૂર બન્યા છે.
તંત્ર સામે ઉઠતા વેધક સવાલો.
- 1) NABH ની મુલાકાત માત્ર કાગળ પરની સુવિધાઓ માટે છે કે વાસ્તવિક દર્દીની સેવા માટે ?
- 2) અધિકારીઓને ખખડાવ્યા બાદ પણ પરિસ્થિતિમાં સુધારો કેમ નથી આવતો ?
- 3) શું જવાબદાર કોન્ટ્રાક્ટરો વિરુદ્ધ માત્ર મૌખિક સૂચનાઓ અપાશે કે કોઈ કડક દંડનીય કાર્યવાહી થશે ?
સયાજી હોસ્પિટલમાં આવતા દર્દીઓ હવે આશા રાખી રહ્યા છે કે તંત્ર માત્ર દેખાડો કરવાને બદલે પાયાની સુવિધાઓ અને સ્ટાફની વ્યવસ્થામાં કાયમી સુધારો લાવે, જેથી ગરીબ દર્દીઓના સગાંને હોસ્પિટલના પરિસરમાં હાલાકી ન ભોગવવી પડે.