Vadodara

સયાજી હોસ્પિટલમાં સુપ્રીટેન્ડેન્ટની ‘સર્જિકલ સ્ટ્રાઈક’

ગંદકી અને અંધકાર જોઈ ડો. રંજન ઐયર લાલઘૂમ, તંત્રની લાલીયાવાડી ઉઘાડી પડી

(પ્રતિનિધિ), વડોદરા. તા.18

વડોદરાની સયાજી હોસ્પિટલ (SSG) માં વહીવટી બેદરકારીના દ્રશ્યો આજે ખુદ હોસ્પિટલના સુપ્રીટેન્ડેન્ટે ઝડપી પાડ્યા હતા. આજે જ્યારે સુપ્રીટેન્ડેન્ટ ડો. રંજન ઐયર હોસ્પિટલના આકસ્મિક નિરીક્ષણ (વિઝિટ) પર નીકળ્યા હતા, ત્યારે ઠેર-ઠેર જોવા મળેલી ગેરવ્યવસ્થા જોઈને તેઓનો પારો સાતમા આસમાને પહોંચ્યો હતો. નિરીક્ષણ દરમિયાન ડો. ઐયર જ્યારે સોનોગ્રાફી વિભાગ પાસે પહોંચ્યા ત્યારે ત્યાં વ્યવસ્થાને બદલે અવ્યવસ્થાનું સામ્રાજ્ય જોવા મળ્યું હતું. સોનોગ્રાફી રૂમની બિલકુલ બહાર જ મોટા પ્રમાણમાં ખાલી બોક્ષના ઢગલા ખડકાયેલા હતા. દર્દીઓની અવરજવર માટેના રસ્તામાં આ પ્રકારે કચરો અને બોક્ષ જોઈ ડોક્ટરે તાત્કાલિક જવાબદારોનો ઉધડો લીધો હતો અને સફાઈ બાબતે કડક સૂચનાઓ આપી હતી. હોસ્પિટલની ગંભીર બેદરકારી ત્યારે સામે આવી જ્યારે ડો. ઐયર ઇમરજન્સી બિલ્ડિંગના ત્રીજા માળે પહોંચ્યા. કરોડોના ખર્ચે બનેલી આધુનિક બિલ્ડિંગના ત્રીજા માળે ધોળે દિવસે અંધકાર વ્યાપેલો હતો. લાઈટો બંધ હોવાના કારણે દર્દીઓ અને સ્ટાફને પડતી મુશ્કેલી જોઈ સુપ્રીટેન્ડેન્ટ ગુસ્સે ભરાયા હતા. તેમણે સ્થળ પર જ PIU (Project Implementation Unit) વિભાગના અધિકારીઓને બોલાવીને “તતડાવ્યા” હતા અને સવાલ કર્યો હતો કે આટલી પાયાની સુવિધામાં આટલી મોટી બેદરકારી કેમ ? તેમણે તાત્કાલિક ધોરણે લાઈટો ચાલુ કરવા માટે કડક આદેશ આપ્યો હતો. માત્ર સફાઈ કે લાઈટ જ નહીં, પણ હોસ્પિટલના ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં પણ અનેક જગ્યાએ ક્ષતિઓ જોવા મળી હતી. નિરીક્ષણ દરમિયાન અમુક જગ્યાએ દીવાલો તૂટેલી હાલતમાં જોવા મળી હતી. લાખો રૂપિયાની ગ્રાન્ટ છતાં રિપેરીંગ કામમાં થતી આ ઢીલ હોસ્પિટલ તંત્રમાં ચાલતી ‘લાલીયાવાડી’ ની ચાડી ખાતી હતી. આ વિઝિટ બાદ હોસ્પિટલના સ્ટાફ અને કોન્ટ્રાક્ટરોમાં ફફડાટ વ્યાપી ગયો છે. હવે જોવાનું એ રહે છે કે સુપ્રીટેન્ડેન્ટના આદેશ બાદ હોસ્પિટલની કાયાપલટ થાય છે કે ફરી ‘જૈસે થે’ જેવી સ્થિતિ સર્જાય છે.

Most Popular

To Top