વડોદરા :- મધ્ય ગુજરાતની સૌથી મોટી ગણાતી સયાજી હોસ્પિટલ જાણે સંવેદના વિહોણી બની હોય તેમ લાગી રહ્યું છે. બુધવારે મૃતદેહને પરિવારજનોએ જાતે સ્ટ્રેચર પર ખેંચવો પડ્યો હોવાની શાહી હજુ સુકાઈ નથી, ત્યાં ફરી એકવાર હોસ્પિટલની ઘોર બેદરકારીના બે જીવતા જાગતા કિસ્સા સામે આવ્યા છે. હોસ્પિટલના પરિસરમાં ગંભીર હાલતના દર્દીઓને તેમના સ્વજનો જાતે સ્ટ્રેચર ધકેલીને લઈ જતા જોવા મળ્યા હતા. આશ્ચર્યની વાત તો એ છે કે, આ દરમિયાન ન તો કોઈ વોર્ડબોય ડોકાયો કે ન તો હોસ્પિટલનો અન્ય કોઈ સ્ટાફ મદદ માટે આગળ આવ્યો. ‘માનવતા મરી પરવારી’ હોય તેવા આ દ્રશ્યોએ હોસ્પિટલ તંત્રના સુશાસનના દાવાઓની પોલ ખોલી નાખી છે. કરોડોનું બજેટ અને સ્ટાફ છતાં સામાન્ય જનતાએ કેમ હાલાકી ભોગવવી પડે છે ? તે હવે એક મોટો સવાલ છે.