પેટનો ખાડો પૂરવા પૈસા નથી, સેવા અમે કરીએ, કમાણી કોન્ટ્રાક્ટર કરે
પગાર મુદ્દે સયાજી હોસ્પિટલમાં કર્મચારીઓનો હાઈવોલ્ટેજ ડ્રામા
વડોદરા :;શહેરની સૌથી મોટી સયાજી હોસ્પિટલમાં કોન્ટ્રાક્ટ પર ફરજ બજાવતા કર્મચારીઓએ આજે મેદાનમાં ઉતરી ભારે હોબાળો મચાવ્યો હતો. રજસ એન્ટરપ્રાઇઝ કંપની દ્વારા લાંબા સમયથી સમયસર વેતન ન ચૂકવવામાં આવતા કર્મચારીઓમાં રોષ ફાટી નીકળ્યો છે. હાલમાં ચેતન નાગરાણી ની દેખરેખ હેઠળ કર્મચારીઓ કામ કરી રહ્યા છે.
સયાજી હોસ્પિટલમાં આઉટસોર્સિંગ દ્વારા લેવામાં આવેલા કર્મચારીઓનો આક્ષેપ છે કે રજસ એન્ટરપ્રાઇઝના સંચાલકો દ્વારા તેઓને દર મહિને સમયસર પગાર આપવામાં આવતો નથી. વારંવાર રજૂઆત કરવા છતાં મેનેજમેન્ટ દ્વારા કોઈ સંતોષકારક જવાબ ન મળતા, અંતે કંટાળેલા કર્મચારીઓએ આજે હોસ્પિટલના પટાંગણમાં ભેગા થઈને સૂત્રોચ્ચાર કર્યા હતા અને કામગીરી અટકાવી વિરોધ પ્રદર્શન કર્યું હતું.

તમામ કર્મચારીઓ ભેગા થઈ ને સયાજી હોસ્પિટલના સુપ્રીટેન્ડેન્ટ ડૉ રંજન ઐયરને મળવા ગયા હતા. કર્મચારીઓએ જણાવ્યું હતું કે, અમે દિવસ-રાત મહેનત કરીએ છીએ, છતાં મહિનાના અંતે ઘર ચલાવવા માટે પણ અમારી પાસે પૈસા હોતા નથી. જો ત્વરિત પગાર કરવામાં નહીં આવે તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ આપવામાં આવી છે. આ મામલે હોસ્પિટલ સત્તાધીશો દ્વારા મધ્યસ્થી કરીને મામલો થાળે પાડવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. જોકે, કોન્ટ્રાક્ટ કંપનીના સંચાલકોની નિષ્કાળજીને કારણે હોસ્પિટલની સેવાઓ ખોરવાય તેવી ભીતિ સેવાઈ રહી છે.