સફાઈના અભાવે ગંદકીનું સામ્રાજ્ય , રોગચાળાનો ભય
(પ્રતિનિધિ), વડોદરા. તા.12
વડોદરા શહેરની સૌથી મોટી સરકારી હોસ્પિટલ, સયાજી હોસ્પિટલ માત્ર શહેર અને ગ્રામ્ય વિસ્તારના જ નહીં, પરંતુ ગુજરાત બહારના અન્ય રાજ્યોમાંથી આવતા દર્દીઓ માટે પણ આશાનું કેન્દ્ર છે. અહીં સારવાર અર્થે આવતા દર્દીઓના સગા-સંબંધીઓને રહેવા માટે ગુજરાત રાજ્ય સરકારની રાહત પાવર ગ્રીડ કંપની દ્વારા CSR ફંડ હેઠળ અધ્યતન વિશ્રામ ગૃહનું નિર્માણ કરવામાં આવ્યું હતું. જોકે, જવાબદાર અધિકારીઓ અને કર્મચારીઓની બેદરકારીને કારણે આ નવનિર્મિત વિશ્રામ ગૃહની હાલત અત્યંત દયનીય બની ગઈ છે.
વિશ્રામ ગૃહના સંચાલન અને સાફ-સફાઈ પ્રત્યે સત્તાધીશો દ્વારા યોગ્ય ધ્યાન આપવામાં આવતું નથી. ખાસ કરીને, ટોયલેટ-બાથરૂમની પાઈપલાઈનમાં ગંભીર લીકેજ થવાના કારણે ગંદુ અને દુર્ગંધયુક્ત પાણી વિશ્રામ ગૃહના આસપાસના રસ્તાઓ અને પરિસરમાં ફરી વળ્યું છે. આ ગંદા પાણીના જમાવડાને કારણે અહીં મચ્છર અને માખીઓનો ઉપદ્રવ ભારે માત્રામાં વધી ગયો છે.
જે સ્થળે દર્દીઓના સગા-સંબંધીઓ રાહત મેળવવા આવે છે, ત્યાં જ ગંદકી અને જીવજંતુઓના કારણે હવે તેમને રોગચાળો ફાટી નીકળવાનો કે કોઈ ગંભીર બીમારીનો ભોગ બનવાનો ડર સતાવી રહ્યો છે. એક તરફ હોસ્પિટલમાં દર્દીઓ સારવાર લઈ રહ્યા છે, ત્યારે તેમના સ્વજનો જ જોખમમાં મુકાય તેવી સ્થિતિ સર્જાઈ છે. દર્દીઓના સગા-સંબંધીઓ માટે આશરો બનેલા આ વિશ્રામ ગૃહની આ દયનીય સ્થિતિ અંગે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

કરોડોના ખર્ચે બનેલા આ વિશ્રામ ગૃહની જાળવણીમાં નિષ્ફળ રહેલા જવાબદાર અધિકારીઓ અને કર્મચારીઓ સામે પગલાં લેવા અને તાત્કાલિક ધોરણે લીકેજનું સમારકામ કરવા, તેમજ સમગ્ર પરિસરની યોગ્ય સાફ-સફાઈ અને સેનિટાઈઝેશનની કામગીરી હાથ ધરવામાં આવે તેવી પ્રબળ માંગ ઉઠી છે. સત્તાધીશો આ ગંભીર બાબતની નોંધ લઈ, દર્દીઓના સગા-સંબંધીઓને સુરક્ષિત અને સ્વચ્છ વાતાવરણ પૂરું પાડે તે આવશ્યક છે, અન્યથા CSRના ભંડોળનો હેતુ નિષ્ફળ જશે અને માનવ સ્વાસ્થ્ય સામે મોટું જોખમ ઊભું થશે.