પ્રતિનિધિ, વડોદરા, તા. 23
વડોદરા શહેરના સયાજીબાગ ખાતે આવેલા ઐતિહાસિક ઝુલતા પુલનું રીનોવેશન થોડા સમય પહેલાં જ કરવામાં આવ્યું હતું. પરંતુ ત્યારબાદ પણ ઘણા સમયથી બ્રિજ બંધ હાલતમાં જોવા મળે છે.
શહેરના આ ઐતિહાસિક સયાજીબાગમાં રાજ્યના વિવિધ જિલ્લાઓમાંથી અને બહારના રાજ્યોમાંથી પણ સહેલાણીઓ આવતા હોય છે. ઉપરાંત ગૌરી વ્રત નિમિત્તે મોટી સંખ્યામાં મુલાકાતીઓ સયાજીબાગમાં જોવા મળ્યા હતા. સયાજી બાગમાં પ્રાણી સંગ્રહાલય નિહાળવા માટે જો કોઈ સહેલાણી જાય તો તેને અધૂરું જ પ્રાણી સંગ્રહાલય જોવા મળે. કારણ કે પક્ષીઓના ઘર જોયા બાદ જો તેમને વાઘ કે સિંહને જોવા હોય તો તેમને ઝુલતા પુલ પરથી પસાર થવું પડે પરંતુ હાલમાં ઝુલતો પુલ બંધ હાલતમાં હોવાથી તે શક્ય નથી.
સામાજિક કાર્યકર કમલેશ પરમારે તંત્ર પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે આ બ્રિજને બંધ રાખી નગરજનોને અને સહેલાણીઓને હેરાન કરવામાં આવી રહ્યા છે. કારણ કે કોર્પોરેશનના અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા બંધ કરેલા બ્રિજનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. પણ સાથે જ મ્યુનિસિપલ કમિશનરની ગાડી પણ આ બ્રિજ પરથી પસાર થતી જોવા મળી હતી. બંધ રાખેલ આ ઐતિહાસિક ઝુલતા પુલને ક્યારે શરૂ કરવામાં આવશે તેવા સવાલો ઉઠાવ્યા હતા.
સયાજી બાગનો ઐતિહાસિક ઝુલતો પુલ રીનોવેશન બાદ પણ બંધ હાલતમાં
By
Posted on