વડોદરાના બાળકોની નિરાશા દૂર થશે, સક્કરબાગથી સયાજીબાગ આવશે વનરાજની જોડી, સયાજીબાગમાં વનરાજનું પુનરાગમન નિશ્ચિત
(પ્રતિનિધિ), વડોદરા. તા.26
વડોદરા લોકસભા મતવિસ્તારના સાંસદ ડો. હેમાંગ જોષીએ સયાજી ઝૂ, વડોદરા માટે એશિયાટિક સિંહની એક જોડી ફાળવવા બાબતે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને લેખિત રજૂઆત કરી છે. મુખ્યમંત્રીએ આ મુદ્દો સકારાત્મક રીતે વિચારણા હેઠળ લઈ ટૂંક સમયમાં સત્તાવાર બેઠક બોલાવવાની સૂચના આપી છે, જે વડોદરાના નાગરિકો માટે એક આશાસ્પદ સમાચાર છે.
સયાજી ઝૂનો ઐતિહાસિક વારસો 8 જાન્યુઆરી 1879ના રોજ સ્થાપિત થયેલ શ્રી સયાજીબાગ પ્રાણીસંગ્રહાલય રાજ્યના સૌથી જૂના બે ઝૂ પૈકીનું એક છે. લગભગ દોઢ સદીના ઇતિહાસ સાથે આ ઝૂ વડોદરા શહેરની સાંસ્કૃતિક ઓળખ સાથે અભિન્ન રીતે જોડાયેલું છે. વિવિધ પ્રજાતિના પ્રાણીઓ અને પક્ષીઓનું આ ઝૂ ઘર છે, અને દર વર્ષે લાખો મુલાકાતીઓ, શાળાના બાળકો, પરિવારો અને વન્યજીવ પ્રેમીઓ અહીં આવે છે. જોકે, હાલ સિંહ એન્ક્લોઝર ખાલી હોવાથી મુલાકાતીઓ, ખાસ કરીને બાળકો, નિરાશ થઈ પાછા ફરે છે. ઝૂની મુલાકાત દરમિયાન ખાલી પાંજરું જોઈ ઘણા લોકો એશિયાટિક સિંહ ક્યારે પાછો આવશે તે અંગે પ્રશ્નો ઉઠાવી રહ્યા છે.
‘સ્મૃદ્ધિ’ના અવસાન બાદ ઊભી થયેલી પરિસ્થિતિ 19 ડિસેમ્બર 2025 ના રોજ ઝૂની એકમાત્ર એશિયાટિક સિંહણ ‘સ્મૃદ્ધિ’ નું સર્પદંશના કારણે અવસાન થયું હતું. સ્મૃદ્ધિ વર્ષોથી ઝૂના મુલાકાતીઓ માટે એક ખાસ આકર્ષણ હતી, અને તેના અવસાનના સમાચારે સમગ્ર શહેરને શોકમાં ડુબાડ્યું હતું. આ ઘટના બાદ ઝૂમાં એક પણ એશિયાટિક સિંહ બાકી રહ્યો નથી અને સિંહ એન્ક્લોઝર સંપૂર્ણ ખાલી છે. ગુજરાતના ગૌરવ સમા આ દુર્લભ પ્રાણીની ગેરહાજરી ઝૂના એકંદર અનુભવ પર નોંધપાત્ર અસર કરી રહી છે.
સાંસદ ડો. હેમાંગ જોષીની રજૂઆત આ પરિસ્થિતિને ધ્યાને લઈ, સાંસદ ડો. હેમાંગ જોષીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને જૂનાગઢ સ્થિત સક્કર બાગ ઝૂમાંથી એશિયાટિક સિંહની એક જોડી સયાજી ઝૂ ખાતે ફાળવવા વિધિવત લેખિત રજૂઆત કરી છે. સક્કર બાગ ઝૂ એ એશિયાટિક સિંહના સંરક્ષણ માટે જાણીતું છે અને ત્યાંથી સિંહની જોડી ફાળવવી વ્યવહારુ અને શક્ય વિકલ્પ છે. આ રજૂઆત વડોદરાના નાગરિકો, ઝૂ પ્રત્યે લગાવ ધરાવતા લોકો અને વન્યજીવ સંરક્ષણમાં રસ ધરાવતા સૌની ભાવનાને અનુરૂપ છે. ડો. જોષીએ આ મામલે ઝૂ અધિકારીઓ સાથે પણ સંવાદ સાધ્યો છે અને એ સુનિશ્ચિત કરવા પ્રયાસ કર્યો છે કે વડોદરાની આ ઐતિહાસિક સંસ્થા તેની સંપૂર્ણ ક્ષમતા સાથે ફરી ધબકે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ રજૂઆત પ્રત્યે સકારાત્મક વલણ દાખવ્યું છે. તેઓએ મુદ્દો ગંભીરતાથી વિચારણા હેઠળ લઈ ટૂંક સમયમાં સત્તાવાર બેઠક બોલાવવાની સૂચના આપી છે. આ બેઠકમાં સંબંધિત વિભાગના અધિકારીઓ સાથે મળીને સિંહની જોડી ફાળવવાની પ્રક્રિયા અંગે નક્કર નિર્ણય લેવાની અપેક્ષા છે.
આગામી બેઠકના નિર્ણયની વડોદરાના નાગરિકો, ઝૂ પ્રેમીઓ અને ખાસ કરીને બાળકો આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે. એ આશા સાથે કે ટૂંક સમયમાં સયાજી ઝૂના સિંહ એન્ક્લોઝરમાં ફરી એક વખત એશિયાટિક સિંહના દર્શન થઈ શકશે.