ખિસ્સામાં કેટલા પૈસા છે? નહીંતર જેલમાં પુરાવી દઈશ કહી ગાર્ડે બાળકોને ધમકાવ્યા
હોબાળા બાદ સયાજીગંજ પોલીસે સિક્યુરિટી ગાર્ડની અટકાયત કરી



( પ્રતિનિધિ )વડોદરા,તા.27
વડોદરાના ઐતિહાસિક કમાટીબાગમાં સયાજી કાર્નિવલનું આયોજન કરવામાં આવ્યું હતું.પરંતુ રજાના દિવસે જ આ મેળાની સુરક્ષા વ્યવસ્થાના લીરેલીરા ઉડતી એક ઘટના બની હતી. તંત્ર દ્વારા તૈનાત કરવામાં આવેલી સિક્યુરિટી એજન્સીનો એક ગાર્ડ નશાની હાલતમાં ફરજ બજાવતો ઝડપાયો હતો. આ ગાર્ડે નિર્દોષ બાળકોને ધમકાવી તેમની પાસેથી પૈસાની માંગણી કરતા વાલીઓમાં રોષની લાગણી વ્યાપી ગઈ હતી.
26મી જાન્યુઆરીની રજા હોવાથી કમાટીબાગમાં બાળમેળામાં માનવમહેરામણ ઉમટી પડ્યું હતું. આ ભીડનો લાભ ઉઠાવી નશામાં ધૂત એક મોનું નામના સિક્યુરિટી ગાર્ડે કેટલાક બાળકોને નિશાન બનાવ્યા હતા. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, ગાર્ડે બાળકોને ધમકાવતા હિન્દીમાં કહ્યું હતું કે, તેરે ખિસે મેં કિતને પૈસે હૈ ? નહિ તો અંદર કરા લૂંગા. ગાર્ડે ડરાવી-ધમકાવી બાળકો પાસેથી આશરે 500ની માંગણી કરી હતી. ગાર્ડના આવા વર્તનથી બાળકો ભયભીત થઈ ગયા હતા. જોકે, ત્યાં હાજર કેટલીક જાગૃત મહિલાઓનું ધ્યાન જતાં તેમણે તુરંત દરમિયાનગીરી કરી હતી. મહિલાઓએ બાળકોને પૂછપરછ કરતા સમગ્ર મામલો બહાર આવ્યો હતો અને નશામાં ચૂર ગાર્ડને લોકોએ રંગેહાથ પકડી પાડ્યો હતો. ઘટનાની જાણ થતા જ સામાજિક આગેવાન હેરી ઓડ તાત્કાલિક કમાટીબાગ દોડી આવ્યા હતા. તેમણે તંત્ર અને સિક્યુરિટી એજન્સી પર આકરા પ્રહાર કરતા જણાવ્યું હતું કે, વડોદરાના ગૌરવ સમાન કમાટીબાગમાં વર્ષોથી પરિવારો આવે છે. જો સુરક્ષા માટે મુકાયેલા ગાર્ડ જ નશામાં હશે, તો બાળકોની સુરક્ષા કોના ભરોસે? શું એજન્સી ગાર્ડને ફરજ પર મોકલતા પહેલા તેની તપાસ નથી કરતી? જાગૃત નાગરિકોને કારણે કોઈ મોટી અનિચ્છનીય ઘટના ટળી ગઈ, પરંતુ જો આવા અસામાજિક તત્વો સુરક્ષાના નામે તૈનાત રહેશે તો ભવિષ્યમાં કોઈ મોટી દુર્ઘટના સર્જાઈ શકે છે. વાલીઓમાં અત્યારે એ જ ચર્ચા છે કે પાલિકા તંત્ર આવા ગંભીર વિષય પર ક્યારે જાગશે? હાલમાં તો આ મામલે તટસ્થ તપાસની માંગ પ્રબળ બની છે. જોકે અંતે પોલીસ બોલાવાઈ હતી. પોલીસે સ્થળ પર આવી સિક્યુરિટી ગાર્ડની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથધરી હતી.