સ્વર્ણિમ જયંતિ યોજના હેઠળ પૂર્વ ઝોનમાં ફાયર સેવાની સુવિધા વધારાશે
G+4 માળની ઇમારતમાં 24 સ્ટાફ ક્વાર્ટર્સ અને 6 અધિકારી ક્વાર્ટર્સ બનાવવામાં આવશે
વડોદરા મહાનગરપાલિકાના પૂર્વ ઝોન વિસ્તારમાં સયાજીપુરા ટી.પી. 1, એફ.પી. 111 ખાતે નવું ફાયર સ્ટેશન તથા સ્ટાફ ક્વાર્ટર્સ બનાવવા માટેની યોજના અંતર્ગત સૌથી ઓછો ભાવ ભરનાર ઈજારદાર દિવ્ય શક્તિ કન્સ્ટ્રક્શનને કામ આપવાની દરખાસ્ત સ્થાયી સમિતિ સમક્ષ રજૂ કરવામાં આવી છે. આ પ્રોજેક્ટ હેઠળ કુલ રૂ. 10.82 કરોડ (GST સહ)ના અંદાજીત ખર્ચે ફાયર સ્ટેશન અને સ્ટાફ ક્વાર્ટર્સનું નિર્માણ કરવામાં આવશે. જેમાં ફાયર સ્ટેશનમાં ચાર ફાયર ટ્રક/ફાયર એન્જિન માટે જગ્યા, કન્ટ્રોલ રૂમ, કોન્ફરન્સ રૂમ, ઓફિસ અને ટોયલેટની સુવિધાઓ રહેશે. જ્યારે પાછળના ભાગમાં (G+4) માળની ઇમારતમાં 24 સ્ટાફ ક્વાર્ટર્સ અને 6 અધિકારી ક્વાર્ટર્સ બનાવવામાં આવશે. આ કામમાં સિવિલ, ઇલેક્ટ્રિકલ, મિકેનિકલ તેમજ સાઇટ ડેવલપમેન્ટના તમામ ભાગોનો સમાવેશ કરવામાં આવ્યો છે. સિવિલ કામની નેટ અંદાજીત રકમ રૂ. 8.51 કરોડ નક્કી કરવામાં આવી હતી. પાલિકાએ આ માટે N-Procure પોર્ટલ અને દૈનિક અખબારોમાં જાહેરાત આપતા કુલ બે ઈજારદારોએ ટેન્ડર ભર્યા હતા.
ટેન્ડર ખોલતા દિવ્ય શક્તિ કન્સ્ટ્રક્શનનું ભાવપત્ર અંદાજથી 1.78 ટકા વધુ રૂ. 8.66 કરોડનું (GST સિવાય) આવ્યુ હતું, જ્યારે તિરૂપતિ કન્સ્ટ્રક્શનનું ભાવપત્ર 3.35 ટકા વધુ હતું. ત્યારબાદ પાલિકાએ ભાવ ઘટાડો માંગતા દિવ્ય શક્તિ કન્સ્ટ્રક્શન કંપનીએ 0.08 ટકાનો ઘટાડો સ્વીકારી અંતિમ ભાવ રૂ. 8.65 કરોડ (1.70 ટકા વધુ) નક્કી કર્યો છે. આ કામનો ખર્ચ સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના (2023–24)ની ગ્રાન્ટમાંથી કરવામાં આવશે. ટેન્ડર સ્ક્રુટીની કમિટીએ તા. 16/10/2025 ના રોજ યોજાયેલી બેઠકમાં આ ભાવપત્ર વ્યાજબી હોવાનું જણાવી તેને સ્થાયી સમિતિ સમક્ષ મંજૂરી માટે રજૂ કરવામાં આવી છે.