કોમ્પ્લેક્સના ફાયર ઈક્વિપમેન્ટથી સ્થાનિકો દ્વારા આગ પર કાબુ મેળવાયો
ધુમાડાના ગોટે ગોટા નીકળતા એક તબક્કે લોકોના જીવ પડીકે બંધાયા
( પ્રતિનિધિ )વડોદરા,તા.10
વડોદરા શહેરના સયાજીગંજ વિસ્તારમાં આવેલા સિલ્વર લાઈન કોમ્પલેક્ષના વીજ મીટરમાં આજે શોર્ટ સર્કિટ થયા બાદ આગ ભભૂકી ઉઠી હતી. ધુમાડાના ગોટેગોટા નીકળતા કોમ્પ્લેક્સમાં વિવિધ ઓફિસો ધરાવતા લોકો ત્વરિત બહાર દોડી આવ્યા હતા. તાબડતોડ કોમ્પ્લેક્સના જ ફાયર ઇક્વિપમેન્ટથી આગ ઉપર કાબુ મેળવી લેવામાં આવ્યો હતો.

વડોદરા શહેરમાં આગ લાગવાના બનાવવાનો સિલસિલો આજે પણ યથાવત જોવા મળી રહ્યો છે. શુક્રવારે શહેરના સયાજીગંજ વિસ્તારમાં આવેલા સિલ્વર લાઈન કોમ્પ્લેક્સમાં આગ લાગતા એક તબક્કે લોકોના જીવ પડીકે બંધાયા હતા.

પ્રાપ્ત માહિતી અનુસાર સિલ્વર લાઈન કોમ્પ્લેક્સના વીજ મીટરમાં શોર્ટ સર્કિટ થયા બાદ આગ લાગી હતી. જેના કારણે ધુમાડાના ગોટેગોટા નીકળ્યા હતા અને દૂર દૂર સુધી પ્રસર્યા હતા. આગ લાગવાની વાત વાયુવેગે પ્રસરતા તાત્કાલિક આ કોમ્પ્લેક્સમાં આવેલી તમામ ઓફિસો અને દુકાનો ખાલી કરી દેવામાં આવી હતી. જો કે કોમ્પ્લેક્સના સ્થાનિકોએ તાત્કાલિક ફાયર એક્સ્ટીંન્ગ્યુસરની મદદથી આગ ઉપર કાબુ મેળવી લીધો હતો. સદનસીબે આગની આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી. જેથી લોકોએ હાશકારો અનુભવ્યો હતો. 20 મીટરમાં આગ લાગવાને કારણે વીજળી ગુલ થઈ હતી. જેથી આ અંગેની જાણ એમજીવીસીએલને કરવામાં આવતા વીજ કંપનીની ટીમ ઘટના સ્થળે આવી પહોંચી હતી અને વીજ પુરવઠો કાર્યરત કરવા આગળની કાર્યવાહી હાથ ધરી હતી.