કોઈપણ પ્રકારની પૂર્વ નોટિસ અને જાણ કર્યા વિના મીટરો લગાવ્યા હોવાના આક્ષેપ
એમજીવીસીએલના કર્મચારીઓ અને વ્યાપારીઓ વચ્ચે શાબ્દિક ટપાટપી



( પ્રતિનિધિ )વડોદરા,તા.23
વડોદરા શહેરમાં સ્માર્ટ મીટરનો વિવાદ ફરી ઊભો થયો છે. શહેરના સયાજીગંજ વિસ્તારમાં આવેલ દર્શનમ ટ્રેડ સેન્ટર 2 ખાતે આજે એમજીવીસીએલ દ્વારા સ્માર્ટ મીટર બદલવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. પરંતુ, આ કામગીરી દરમિયાન વેપારીઓએ ભારે વિરોધ નોંધાવ્યો હતો વેપારીઓનું કેહવું છે કે, કોઈપણ પ્રકારની પૂર્વ નોટિસ અથવા જાણ કર્યા વિના વીજ કંપની દ્વારા જૂના મીટર દૂર કરીને સ્માર્ટ મીટર લગાવવામાં આવી રહ્યા છે. જે અધિકારોનો ભંગ છે. વેપારીઓ આક્ષેપ કર્યો હતો કે, સ્માર્ટ મીટર લાગ્યા બાદ બીજ બીલોના અચાનક વધારો થઈ રહ્યો છે અને ઘણી ટેકનીકલ ખામીઓ પણ સામે આવી રહી છે. જેના કારણે નાના અને મધ્યમ વેપારીઓ પર આર્થિક ભારણ વધ્યું છે. વિરોધ દરમિયાન વેપારીઓએ સ્માર્ટ મીટર ફરજિયાત છે , તેઓ કોઇ આદેશ નથી છતાં પણ એમજીવીસીએલ આ પ્રક્રિયા દબાણપૂર્વક અમલમાં મૂકી રહી છે. આ દરમિયાન સ્થળ પર હાજર એમજીવીસીએલના કર્મચારીઓ અને વ્યાપારીઓ વચ્ચે શાબ્દિક ટપાટપી થઈ હતી. જેના કારણે વાતાવરણ પણ તંગ બન્યું હતું. સ્થાનિક વેપારીઓએ માંગણી કરી છે કે, આ મુદ્દે સ્પષ્ટતા કરવામાં આવે અને ગ્રાહકોની પૂર્વ મંજૂરી વિના આવી કાર્યવાહી બંધ કરવામાં આવે.
વધુ બીલ આવતા માંડવી વીજ કચેરીએ દેવીપૂજક સમાજના લોકોની રજૂઆત :
શહેરના વારસિયા વિસ્તારમાં જોગણી માતાના મંદિર પાસે આવેલ વાઘરી વાસમાં એમજીવીસીએલ દ્વારા સ્માર્ટ મીટર લગાવવામાં આવ્યા છે. જે બાદ સ્થાનિકોના બીલમાં વધારો થયો હોવાના આક્ષેપ કરવામાં આવી રહ્યા છે. જુના મીટર વખતે અહીંયા 700 થી હજાર રૂપિયા બિલ આવતું હતું. જ્યારે હવે નવું સ્માર્ટ મીટર નાખ્યા બાદ લોકોના બિલમાં 2500 જેવો વધારો થયો હોવાના આક્ષેપ પણ સ્થાનિકોએ કર્યા હતો. મહિલાઓ માંડવી એમજીવીસીએલ કચેરીએ પહોંચી હતી અને ડેપ્યુટી એન્જિનિયર આર આર સીંગને સમગ્ર મામલે રજૂઆત કરી જૂના મીટર લગાવવા રજૂઆત કરી હતી.