Vadodara

સમીક્ષા બેઠકમાં કડક પગલાંની સૂચના, આગામી રિપોર્ટ માસના અંતિમ સપ્તાહમાં આવશે

વિશ્વામિત્રી રિવાઇવલ પ્રોજેક્ટ માટે માનવ અધિકાર આયોગ સમિતિ સાથે સમીક્ષા બેઠક

નદી કાંઠા, તળાવો અને વરસાદી કાંસામાં ગેરકાયદેસર કચરો નિકાલ કરનાર સામે કડક પગલાં ભરવા અને ભારે દંડ વસૂલવા માટે સૂચના

વડોદરા મહાનગરપાલિકા ખાતે આવેલા કોન્ફરન્સ હોલમાં સૉમવારે વિશ્વામિત્રી પ્રોજેક્ટ અંગે માનવ અધિકાર આયોગ દ્વારા રચિત સમિતિની સમીક્ષા બેઠક યોજાઈ હતી. બેઠકની અધ્યક્ષતા મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુએ કરી હતી. બેઠકમાં વિશ્વામિત્રી રિવાઇવલ પ્રોજેક્ટ અંતર્ગત ડોક્યુમેન્ટેશન અને ફાઈલિંગ રીપોર્ટ માટે વરસાદી કાંસોના ડ્રેજિંગની માહિતી, નદી કાંઠા પર 52 પ્લાન્ટેશનની વિગતો, તેમજ નદીમાં વસવાટ કરતા જળચર પ્રાણી, પક્ષીઓ, મગરો અને કાચબાઓના સંરક્ષણ અંગે ચર્ચા થઈ હતી. આ કામગીરી માટે કાર્યરત એનજીઓ અને સંસ્થાઓ દ્વારા કરવામાં આવેલી કામગીરીની યાદી અને વિગત પણ રજૂ કરવામાં આવી હતી. નદી કાંઠા, વરસાદી કાંસો અને કોતરામાંથી કન્સ્ટ્રક્શન વેસ્ટનું લિફ્ટિંગ કરવા, તેમજ નદી કાંઠા, તળાવો અને વરસાદી કાંસામાં ગેરકાયદેસર કચરો નિકાલ કરનાર સામે કડક પગલાં ભરવા અને ભારે દંડ વસૂલવા માટે સૂચના આપવામાં આવી હતી.

આ બેઠકમાં સમિતિના સભ્ય રોહિતભાઈ પ્રજાપતિ, નેહાબેન સર્વટે, જીતેન્દ્ર ગૌલી, રણજીત દેવકર, મિતેશભાઈ પંચાલ તેમજ વડોદરા મહાનગરપાલિકા, સિંચાઈ વિભાગ, પી.ડી. ગોઘરા ડિવિઝન, નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા, બુલેટ ટ્રેન પ્રોજેક્ટ, જી.પી.સી.બી.ના રીજીનલ ઓફિસર, પી.એમ.સી. સિકોન પ્રા.લી.ના કર્મચારીઓ-સલાહકારો અને સંબંધિત વિભાગના અધિકારીઓ હાજર રહ્યા હતા. અગાઉ યોજાયેલી બેઠકમાં ચર્ચાયેલા મુદ્દાઓને લઈને કમિટી દ્વારા રજૂ કરાયેલા ઇન્ટ્રીમ રિપોર્ટના આધાર પર પણ ચર્ચા થઈ હતી. રિપોર્ટમાં ઉલ્લેખિત પેન્ડિંગ કામ અંગે સમીક્ષા કરવામાં આવી. જાણકારી અનુસાર, સમિતિ દ્વારા તૈયાર કરાયેલ બીજો રિપોર્ટ આ માસના અંતિમ સપ્તાહમાં જાહેર થશે જેમાં વધુ માહિતી આવરી લેવાશે. બેઠક દરમિયાન બુલેટ ટ્રેન અને નેશનલ હાઈવે સંબંધિત પેન્ડિંગ મુદ્દાઓ પર પણ ચર્ચા કરવામાં આવી હતી.

Most Popular

To Top