ગેસ લાઇન બદલવાની કામગીરી માટે સવારનો સમય પસંદ કરતા ગૃહિણીઓ પરેશાન
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન (VMC) દ્વારા સમા તળાવ પાસે ઓવરબ્રિજનું કામ ચાલી રહ્યું છે. આ દરમિયાન બે દિવસ અગાઉ ખોદકામ વખતે કોન્ટ્રાક્ટર દ્વારા વડોદરા ગેસ લિમિટેડની 125 mm ડાયમીટરની ગેસ લાઈન તૂટી ગઈ હતી, જેના કારણે સમા, નિઝામપુરા, છાણી, અને ટીપી 13 જેવા વિસ્તારોમાં ગેસ પુરવઠો બંધ થઇ ગયો હતો. તાત્કાલિક ગેસ કંપનીની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને રીપેરીંગની કામગીરી હાથ ધરી હતી, જેના કારણે આશરે અઢીથી ત્રણ હજાર ઘરોમાં એકથી દોઢ કલાક માટે ગેસ પુરવઠો ખોરવાઈ ગયો હતો. આ કારણે સવારે રસોઈમાં વ્યસ્ત ગૃહિણીઓને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. આજે સવારે, વડોદરા ગેસ લિમિટેડ દ્વારા તૂટી ગયેલી લાઈન બદલવાની કામગીરી હાથ ધરાઈ હતી. જોકે, આ કામગીરી માટે હરણી સહિતના વિસ્તારોમાં ગેસ પુરવઠો ફરી એકવાર બંધ કરવામાં આવ્યો હતો. જે સમયે ગૃહિણીઓ સવારે નાસ્તો અને રસોઈની તૈયારીમાં હોય છે, ત્યારે ગેસ પુરવઠો બંધ થતાં લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.
શહેરમાં સામાન્ય નાગરિકોની સુવિધાને પ્રાથમિકતા આપવી જોઈએ, પરંતુ ગેસ લાઇન બદલવાની કામગીરી માટે સવારનો સમય પસંદ કરાયો, જેના કારણે ગૃહિણીઓની મુશ્કેલીઓ વધી હતી. ગૃહિણીઓનું કહેવું છે કે આ કામગીરી મોડી રાત્રિ કે અન્ય અનુકૂળ સમયે કરી શકાય, જેથી ગૃહિણીઓ અને નાના બાળકોવાળા પરિવારોને આડઅસર ન પડે. હવે પ્રશ્ન એ ઊભો થાય છે કે આવા મહત્વના કામો દરમિયાન કોન્સ્ટ્રક્શન કંપનીઓ અને ગેસ લિમિટેડ વચ્ચે સંકલનનો અભાવ કેમ છે? શું ભવિષ્યમાં આવા કિસ્સાઓને રોકવા માટે કોઈ પગલાં ભરવામાં આવશે કે કેમ તે જોવાનું રહેશે.
