શું વડોદરા શહેરના તંત્રને ખરેખર નાગરિકોની ચિંતા છે ?
22 વર્ષીય યુવકનો જીવ ગયા પછી પણ તંત્રની આંખો નથી ખૂલી રહી
પ્રતિનિધિ, વડોદરા, તા. ૧૧
વડોદરા શહેરમાં રોજે રોજ રોડ અકસ્માતની ઘટનાઓ સામે આવતી હોય છે. પરંતુ આ અકસ્માતોને રોકવા માટે વડોદરાનું તંત્ર અને ટ્રાફિક વિભાગ કેવી રીતે કામ કરી રહ્યું છે તે સમજવું ઘણું મુશ્કેલ છે. વડોદરા શહેરના રસ્તા ઉપર થતા અકસ્માતોમાં ઘણા રાહદારીઓએ પોતાના જીવ પણ ગુમાવ્યા છે. ત્યારે સમા સાવલી રોડ પર આશીર્વાદ હૉસ્પિટલ પાસે પણ સ્પીડ બ્રેકરના અભાવે નાના મોટા અકસ્માતો થઈ રહ્યા છે. એક યુવાને થોડા દિવસ પહેલા જીવ પણ ગુમાવ્યો છે.
થોડા મહિના અગાઉ વડોદરાના સમા સાવલી રોડ ઉપર આશીર્વાદ હોસ્પિટલ નજીક રોડ અકસ્માતમાં એક 22 વર્ષીય યુવકે પોતાનો જીવ ગુમાવ્યો હતો. આ ઘટના બાદ આશીર્વાદ હોસ્પિટલ નજીક આવેલ ડિવાઈડરનાં કટ પાસે કે જ્યાં અકસ્માત થયો હતો ત્યાં ફક્ત વડોદરા કોર્પોરેશન દ્વારા રંબલ્સ લગાવીને વાહનોની ગતિ ધીમી કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આ જગ્યા પર વધુ ગતીએ આવતા વાહનો માટે વડોદરા કોર્પોરેશન દ્વારા સ્પીડ બ્રેકર કેમ નથી મૂકવામાં આવી રહ્યો તેવા પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે. વાહનોની વધુ ગતિને કારણે નિર્દોષ રાહદારીઓના જીવ જોખમમાં મુકાય છે પરંતુ વડોદરા કોર્પોરેશન આ બાબતને ગંભીરતાથી નથી લઈ રહ્યું તેવું જણાઈ આવે છે.
વાહનોની ગતિ ઓછી કરવા માટે રંબલ્સ કેટલા ઉપયોગી ?
વડોદરા મહાનગરપાલિકા દ્વારા વાહનોની ગતિ ઓછી કરવા માટે જે રંબલ્સ લગાવવામાં આવ્યા છે તે શું ખરેખર વાહનોની ગતિ ઓછી કરવામાં ઉપયોગી છે કે નહીં તેવા સવાલો ઊભા થઈ રહ્યા છે. કારણ કે વધુ ગતિએ પસાર થતી ફોર વ્હિલર ગાડીઓને આ રંબલ્સથી કોઈ ફરક પડતો નથી તેવા દ્રશ્યો સામે આવ્યા છે.
જરૂર હોય ત્યાં સ્પીડ બ્રેકર કેમ મૂકાતા નથી ?
જ્યારે નાગરિકો દ્વારા વડોદરા કોર્પોરેશનને સ્પીડ બ્રેકર લગાવવા માટે અરજી કરવામાં આવે છે ત્યારે તે અરજી પર વડોદરા કોર્પોરેશન દ્વારા પ્રોસેસ કરવામાં આવે છે અને વડોદરા પોલીસ ટ્રાફિક વિભાગનો અભિપ્રાય લેવામાં આવે છે. પરંતુ સ્પીડ બ્રેકર આખરે લાગતા જ નથી. અને તેનું કારણ જણાવવામાં આવે છે કે વડોદરા શહેર પોલીસ ટ્રાફિક વિભાગ દ્વારા મંજૂરી નથી મળી રહી.
સમા સાવલી રોડ પર આશીર્વાદ હૉસ્પિટલ પાસે સ્પીડ બ્રેકરના અભાવે અકસ્માતો
By
Posted on