Vadodara

સમા વિસ્તારમાં 20 થી 25 ઘર વચ્ચે માત્ર એક પાણી ટેન્કર મોકલ્યું !

પાણીને લઈ બૂમાબૂમ છતાં પાલિકા નિદ્રાધીન


વડોદરાના સમા વિસ્તારમાં મહાકાળી સોસાયટીમાં પીવાના પાણીને લઈને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ પાલિકા દ્વારા ગુરુવારે એકજ પાણીની ટેન્કર મોકલતા સ્થાનિકોમાં અસંતોષ જોવા મળ્યો હતો.


વડોદરામાં આજે પાણીને લઈને મહિલાઓમાં આક્રોશ જોવા મળ્યો હતો. જેમાં શહેરના સમા વિસ્તારમાં પાણીની માંગને લઈને મહિલાઓ દ્વારા બે દિવસ અગાઉ રેલી કાઢવામાં આવી હતી. જોકે આ મહિલાઓએ રેલી કાઢી તો પોલીસ દ્વારા 15થી વધુ મહિલાઓની અટકાયત કરવામાં આવી હતી. અને મામલો ઉગ્ર બન્યો હતો. જેમાં પોલીસના ઉચ્ચ અધિકારીએ તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરવા જણાવ્યું હતું.

ત્યારે પાલિકા દ્વારા સમાં વિસ્તારની મહાકાળી સોસાયટીમાં સવારે પાણીનું એક માત્ર ટેન્કર મોકલતા સ્થાનિકોમાં અસંતોષ અને રોષ જોવા મળ્યો હતો.

ઉલ્લેખનીય છે કે શહેરના સમા વિસ્તારનો આ બનાવ છે કે જેમાં પીવાના પાણીનો વિરોધ કરી રહેલી મહિલાઓની પોલીસે અટકાયત કરી છે. છેલ્લા ઘણા સમયથી આ વિસ્તારમાં પીવાના પાણીની સમસ્યા સર્જાયેલી છે. જેને લઈને બે દિવસ અગાઉ મહિલાઓએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. જોકે આ વિરોધ પ્રદર્શન વખતે પોલીસ અને મહિલાઓ વચ્ચે ઘર્ષણ જોવા મળ્યું હતું. જેમાં મહિલાઓની અટકાયત કર્યા બાદ મામલો બિચક્યો હતો. વિરોધ કરનાર 15 કરતા વધુ મહિલાઓની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી જેથી મહિલાઓમાં રોષનો માહોલ જોવા મળ્યો હતો.

કોંગ્રેસ નેતાઓ સાથે સ્થાનિક મહિલાઓ વિરોધ કરી રહી હતી. જેમાં મહિલાઓએ માટલા ફોડીને વિરોધ કર્યો હતો. છેલ્લા ઘણા સમયથી અહીંયા પીવાના પાણીની સમસ્યા છે જેને લઈને સ્થાનિકોને ભારે હાલાકી પડી રહી છે. જેના કારણે મહિલાઓ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો.

ત્યારે ગત રોજ સાંજના સમયે પાલિકા તંત્ર દ્વારા વીસથી પચીસ ઘર ની સોસાયટી વચ્ચે માત્ર એક પાણીની ટેન્કર મોકલતા સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. અને પોતાની વેદના ઠાલવી હતી.
શહેરના સમાં વિસ્તારની મહાકાળી સોસાયટીની મહિલાઓએ જણાવ્યું હતું કે બે દિવસ પહેલા અમે પાણી મુદ્દે વિરોધ કર્યો, અમારી જોડે પોલીસ દ્વારા દમન કરાયું તેમ છતાં કોઈ સ્થાનિક કાઉન્સિલર અમારે ત્યાં ફરક્યા પણ નથી. અમે જેમને વોટ આપી અમારા પડતર પ્રશ્નો હલ કરવા જીતાડ્યા આજે એમાં થી કોઈ અમને પૂછવા કે જોવા પણ નથી આવતા. બે દિવસ અગાઉ વિરોધ કરતા પોલીસે પણ અમારી મુશ્કેલીઓ ના સાંભળી અને અમને પકડી પોલીસ સ્ટેશન લઈ ગયા. આટલું બધું થયા પછી પાલિકાના પાણી પુરવઠા શાખા તરફથી ગત રોજ આખી સોસાયટી વચ્ચે માટે એક પાણીની ટેન્કર મોકલી જે બાબતે અમારી સોસાયટીના રહીશો માં અસંતોષ થયો છે. એક ઘર માટે માત્ર બે ડોલ પાણી મળ્યું છે. કેટલાય ઘરમાં 14 લોકોનું પરીવાર છે. કેટલાય ઘરમાં 9 લોકોનો પરિવાર છે તો એક પાણી ની ટેન્કર કેવી રીતે થઈ રહે. અમારી માંગ છે ટેન્કરથીં કાઈ નહીં થાય અમારે પૂરતા પ્રમાણમાં પાણી જોઈએ છે અને પ્રેશરથી સમયસર પાણી જોઈએ.

નવી લાઇન નાંખવાની કામગીરીથી સમસ્યા હલ થશે, હાલમાં પૂરતા ટેન્કર મોકલીશું: મહાવીરસિંહ

આ વિસ્તારના કોર્પોરેટર અને કોર્પોરેશનના પાણી સમિતિના અધ્યક્ષ મહાવીરસિંહ રાજપુરોહીતે જણાવ્યું હતું કે, સમયસર સમગ્ર વિસ્તારમાં પાણી મળે એ સભાસદ તરીકે મારી અને સંસ્થા તરીકે કોર્પોરેશનની જવાબદારી છે. અમે આ મુદ્દે સતત પ્રયાસ કરી રહ્યા છીએ. ગઈ સાંજે સંકલનના અભાવે ટેન્કર ઓછા ગયા છે, જે હવે નિયમિત જશે. હાલમાં 25 વર્ષ જૂની પાણીની લાઇન છે અને વસતી વધી ગઈ છે તેથી પાણી પૂરતા પ્રેશરથી આવતું નથી. નવી લાઇન નાખવાની કામગીરી ટૂંક સમયમાં પૂરી થશે એટલે સમસ્યાનો ઉકેલ આવી જશે.

Most Popular

To Top