Vadodara

સમા વિસ્તારના શિક્ષિકા બ્રેઈન ડેડ જાહેર થતાં તેમના અંગોનું દાન કરવામાં આવ્યુ

કિડની ,હાર્ટ અને લીવર ને ગ્રીન કોરિડોર રચી અમદાવાદના યુ એન મહેતા હોસ્પિટલ ખાતે ગોપીનાથજી હોસ્પિટલ થી ગ્રીન કોરીડોર કરી લઈ જવામાં આવ્યા

જય સાઈનાથ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટની ટીમના માધ્યમથી રાજેશ આયરે દ્વારા એસી એમ્બુલન્સ અને કોફિનની વ્યવસ્થા કરાઇ

(પ્રતિનિધિ) વડોદરા તા. 28

મૂળ રાજસ્થાનના અને વડોદરા શહેરના સમા વિસ્તારમાં રહેતા તથા સમા વિસ્તારમાં આવેલી શ્રી રામ સૈનિક હિન્દી વિદ્યાલયમાં શિક્ષિકા તરીકે સેવા આપતા આશરે 50 વર્ષીય કિરણબેન ખેરવા નું અકસમાત બાદ બ્રેઈન ડેડ જાહેર કરાતાં સમા વિસ્તારમાં આવેલી એક ખાનગી હોસ્પિટલમાંથી તેમના કિડની,લીવર અને હાર્ટ નું અંગદાન કરવામા આવ્યું હતુ તેમના અંગોને યુ.એન.મહેતા હોસ્પિટલ, અમદાવાદ ખાતે ગ્રીન કોરીડોર કરી મોકલવામાં આવ્યા હતા.

વડોદરા શહેરના સમા વિસ્તારમાં શાંતિનગર સોસાયટીમાં રહેતા આશરે 50 વર્ષીય કિરણબેન ખેરવા સમા વિસ્તારમાં આવેલી શ્રીરામ સૈનિક હિન્દી વિદ્યાલય ખાતે શિક્ષિકા તરીકે સેવા આપતા હતા. ગત તારીખ 20 મી એ રાત્રિના સમયે લગ્ન પ્રસંગ પૂર્ણ કરી પોતાના દ્વિચક્રી વાહન પર પરત ફરતી વેળાએ તેઓ ગાડી પરથી પડી જતાં તેઓને માથાના ભાગે ગંભીર ઇજા થઈ હતી, તેમને સારવાર અર્થે તાત્કાલિક સમા વિસ્તારમાં આવેલી ગોપીનાથજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં નિષ્ણાંત તબીબો એ તેમની સારવાર કરી હતી અને ઓપરેશન પણ કર્યું હતું. જોકે 26 તારીખે તેમનું બ્રેન ડેડ થઈ ગયું હતું. તબીબોએ તેમના પરિવારને અંગદાન માટે સમજાવ્યા હતા જે બાદ પરિવારે સહમતિ દર્શાવતા પ્રોટોકોલ નિયમ મુજબ સમગ્ર કાયદેસરની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. આજે કિરણબેન ખેરવા ના પાર્થિવ દેહમાંથી કિડની, હાર્ટ અને લીવર ને ગ્રીન કોરિડોર રચી અમદાવાદના યુ. એન .મહેતા હોસ્પિટલ ખાતે ગોપીનાથજી હોસ્પિટલ થી લઈ જવામાં આવ્યા હતા .પરિવારના આ દુઃખદ પ્રસંગમાં સાંત્વના આપવા માટે વડોદરાના સાંસદ ડોક્ટર હેમાંગ જોશી, પૂર્વ સાંસદ રંજનબેન ભટ્ટ,વોર્ડ નં,૨ કોર્પોરેટર મહાવીરસિંહ રાજપુરોહિત સહિતના સામાજિક ,રાજકીય નેતાઓ પણ ગોપીનાથજી હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા અને પરિજનોએ આ કઠોર સમયમાં લીધેલાં ઓર્ગન ડોનેશનના નિર્ણયને વધાવ્યો હતો. નોંધનીય છે કે, શિક્ષિકા કિરણબેન ખેરવા મૂળ રાજસ્થાનના જુના જિલ્લાના ધોળાખેડ ગામના વતની હતા તેમની અંતિમ વિધિ તેમના વતન ખાતે કરવાની હોવાથી ભાજપ પૂર્વ કોર્પોરેટર રાજેશ આયરેએ જય સાઈનાથ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટની ટીમના માધ્યમથી એસી એમ્બુલન્સ અને કોફિન ની વ્યવસ્થા કરી અપાઇ હતી. ગોપીનાથજી હોસ્પિટલથી પાર્થિવ દેહને અંતિમ દર્શનાર્થે શાંતિનગર ખાતે લઈ જવામાં આવ્યો હતો. અંતિમ દર્શન બાદ અંતિમવિધી માટે ત્યાંથી એમ્બુલન્સ રાજસ્થાન જવા માટે રવાના થઈ હતી.

Most Popular

To Top