

( પ્રતિનિધિ )વડોદરા,તા.22
સમા કેનાલની ઘટનાનો કરુણ અંત બે દિવસ પૂર્વે કેનાલમાં ઝંપલાવનાર ઓમપ્રકાશ સુથારનો મૃતદેહ પંચવટી કેનાલ પાસેથી મળી આવ્યો હતો. વડોદરા ફાયર બ્રિગેડની સતત જહેમત બાદ મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો હતો. આ બનાવને પગલે પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. જ્યારે, પોલીસે વધુ તપાસ હાથધરી હતી.
વડોદરાના સમા વિસ્તારમાંથી પસાર થતી નર્મદા કેનાલમાં ખાબકેલા આધેડનો મૃતદેહ બે દિવસ બાદ પંચવટી કેનાલ પાસેથી મળી આવી છે. કેનાલમાં ઝંપલાવનારની ઓળખ થઈ ગઈ છે, મૃતદેહ મળી આવતા પરિવારમાં ઘેરા શોકની લાગણી પ્રસરી ગઈ છે. બે દિવસ પહેલા સમા કેનાલમાં એક વ્યક્તિએ અગમ્ય કારણોસર પડતું મૂક્યું હોવાની શંકા હતી. સ્થાનિકોએ તંત્રને જાણ કરતા વડોદરા ફાયર બ્રિગેની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. શરૂઆતમાં કોઈ મજબૂત પુરાવા નહીં હોવા છતાં ફાયર બ્રિગેડની ટીમ દ્વારા શોધખોળ હાથ ધરી હતી. તપાસ દરમિયાન સામે આવ્યું છે કે, કેનાલમાં ઝંપલાવનાર વ્યક્તિનું નામ ઓમ પ્રકાશ સુથાર હતું. બે દિવસની સતત શોધખોળ બાદ ગત રાત્રે મૃતદેહ પંચવટી કેનાલ પાસેથી મળી આવ્યો છે. જેને ફાયરબ્રિગેડના જવાનોએ બહાર કાઢી પોલીસને સોંપતા મોટનું સચોટ કારણ જાણવા પોસ્ટમોર્ટમ માટે મૃતદેહને સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.