ચાર ગાય કબજે, રૂ. 16,000થી વધુ દંડની વસુલાત, તોડફોડ દરમ્યાન રકઝક, પોલીસની સમજાવટ બાદ મામલો થયો શાંત
વડોદરા: શહેરના સમા, છાણી અને જવાહરનગર વિસ્તારોમાં ગેરકાયદે રીતે બનાવાયેલા ઢોરવાડા સામે વડોદરા મહાનગરપાલિકા તંત્રે બુધવારે કાર્યવાહી હાથ ધરી હતી. કાર્યવાહીના ભાગરૂપે કુલ ત્રણ ગેરકાયદે ઢોરવાડા તોડી પાડવામાં આવ્યા હતા તેમજ વિસ્તારમાં છૂટા ફરતા ચાર ગાય કબજે કરીને માલિકો પાસેથી રૂપિયા 16,000થી વધુનો દંડ વસૂલ કરવામાં આવ્યો હતો.
મહાનગરપાલિકાની ટીમ જ્યારે ગેરકાયદે ઢોરવાડાનો સફાયો કરવા પહોંચી ત્યારે કેટલાક ગૌપાલકો દ્વારા વિરોધ નોંધાવાયો હતો. કાર્યવાહી અટકાવવાનો પ્રયાસ થતાની સાથે થોડો સમય તંગદિલી સર્જાઈ હતી. પરંતુ તહેનાત પોલીસ કાફલાએ સમજાવટ કરીને મામલો શાંત કરાવ્યો હતો, ત્યારબાદ કામગીરી પૂર્ણ કરવામાં આવી હતી.
શહેરમાં અનેક વિસ્તારોમાં ગૌપાલકો પોતાના પશુઓને દિવસ દરમિયાન ફરતાં મૂકે છે અને સાંજના સમય દોહન માટે ઢોરવાડામાં લઈ જાય છે. ઘણા લોકોએ આ હેતુસર ગેરકાયદે ઢોરવાડા ઊભા કર્યા હોવાથી જાહેર માર્ગો અને રહેણાંક વિસ્તારોમાં તકલીફ સર્જાય છે.
હાલમાં નિઝામપુરા વિસ્તારમાં ઢોરના કારણે રસ્તા પર અકસ્માત સર્જાયો હતો જેમાં બાઈકચાલકનું ગંભીર ઇજાથી મોત થયું હતું. આ બનાવ બાદ મહાનગરપાલિકા તંત્ર સક્રિય બની શહેરમાં ગેરકાયદે ઢોરવાડા સામે તબક્કાવાર કાર્યવાહી હાથ ધરી રહ્યું છે.
સમા, છાણી અને જવાહરનગર વિસ્તારોની કાર્યવાહી બાદ તંત્રે અન્ય વિસ્તારોમાં પણ આવી તપાસ અને સફાયો કરવા સૂચનાઓ આપી છે. પાલિકા તંત્રે ગૌપાલકોને ચેતવણી આપી છે કે ગેરકાયદે રીતે ઢોરવાડા ઉભા કરવાના અથવા જાહેર રસ્તાઓ પર પશુ મુક્તપણે છોડવાના કિસ્સામાં કડક પગલાં લેવામાં આવશે.