પરિવારના ત્રણ સભ્યો દાઝી જતા સારવાર અર્થે ખસેડાયા :
પોલીસ તેમજ ફોરેન્સિકની ટીમ પણ સ્થળ પર આવી પહોંચી હતી , ઘટનાની તપાસ હાથ ધરાઈ
( પ્રતિનિધી )વડોદરા,તા.26
વડોદરા શહેરના સમા વિસ્તારમાં મનહર પાર્ક સોસાયટીના મકાનમાં ગેસ લીકેજ થતા આગ ભભૂકી ઉઠી હતી. આગ લાગ્યા બાદ અચાનક બ્લાસ્ટ થયો હતો. જેમાં પરિવારના ત્રણ સભ્યો ગંભીર રીતે દાઝી ગયા હતા. પરિવારમાં રાજકિશોર ગુપ્તા,રીટા ગુપ્તા, પ્રિયંકા ગુપ્તા ઈજાગ્રસ્ત થયા હતા. જ્યારે, પરિવારને બચાવવા જતા 24 વર્ષીય વિશ્વજીતનું દાઝી જતા મોત થયું હતું.

વડોદરા શહેરના સમા વિસ્તારમાં આવેલા મનહર પાર્ક સોસાયટીમાં ભોરના સમયે ગેસ લીકેજ થતા ભયંકર વિસ્ફોટ થયો હતો. આ વિસ્ફોટમાં એક જ પરિવારના ત્રણ સભ્યો ગંભીર રીતે દાઝી ગયા હતા. આ દરમિયાન પરિવારને બચાવવા ગયેલા એક બહાદુર યુવકને ગંભીર ઇજા થતાં તેનું દુર્ભાગ્યે ઘટનાસ્થળે જ કરૂણ મોત થયું હતું.

પ્રાથમિક માહિતી મુજબ રસોડામાં ગેસ લીકેજ થતા ઘરમાં ગેસ ફેલાઈ ગયો હતો અને સ્પાર્ક થતા જ જોરદાર ધડાકો થયો હતો. જેના કારણે આસપાસના વિસ્તારોમાં પણ ભયનો માહોલ ફેલાયો હતો. ત્વરિત સ્થાનિક લોકોએ અગ્નિશામક દળને જાણ કરી હતી. ફાયર બ્રિગેડના જવાનો તુરંત ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવવાની કામગીરી હાથ ધરી હતી અને ઘાયલોને નજીકના હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. બનાવને પગલે પોલીસ તેમજ ફોરેન્સિકની ટીમ પણ સ્થળ પર આવી પહોંચી હતી અને ઘટનાની તપાસ હાથ ધરાઈ છે. યુવકના મોતથી સમગ્ર વિસ્તારમાં શોક અને ચિંતાનો માહોલ છવાઈ ગયો છે. પોલીસે યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથધરી છે.