Vadodara

સત્તાવાર ઉદ્ઘાટનમાં વિલંબ થતાં સ્થાનિકોએ જાતે જ શરૂ કરી અવરજવર

વહીવટીતંત્રની ઢીલાશને લીધે માંજલપુર-ખિસકોલી બ્રિજ પર લોકાર્પણ વગર વાહનવ્યવહાર શરૂ

અંદાજે 40 કરોડના ખર્ચે તૈયાર થયેલા બ્રિજનું 25 ફેબ્રુઆરીએ લોકાર્પણની સંભાવના

વડોદરાના માંજલપુર સ્પોર્ટ્સ કોમ્પલેક્ષથી ખિસકોલી સર્કલ તરફના નવા બ્રિજનું નિર્માણ થઈ ચૂક્યા બાદ પણ તેનું સત્તાવાર લોકાર્પણ હજુ સુધી થઈ શક્યું નથી. બ્રિજ માટે કામ ચાર વર્ષ પહેલા શરૂ થયું હતું અને લગભગ 40 કરોડના ખર્ચે તેનું નિર્માણ પૂર્ણતેના આરે હોવાનું અધિકારીઓનું કહેવું છે. પરંતુ, સ્થાનિક નાગરિકો અને વાહનચાલકો દ્વારા છેલ્લા કેટલાક દિવસોથી બ્રિજનો ઉપયોગ શરૂ કરી દેવામાં આવ્યો છે. ચોમાસામાં પડતી હાલાકી અને ટ્રાફિકની અવરોધક પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, બ્રિજની જરૂરિયાત મહત્ત્વપૂર્ણ ગણવામાં આવી હતી. જે કામ શરૂ થયું તે લાંબા સમય સુધી ચાલ્યું અને હવે બ્રિજની કામગીરી પૂર્ણતાના આરે છે, ત્યારે તેના લોકાર્પણ માટે કોઈ ચોક્કસ તારીખ જાહેર કરવામાં આવી નથી. પરિણામે, નાગરિકોએ પોતે જ બ્રિજ પર અવરજવર શરૂ કરી છે.

સામાન્ય રીતે, આવા વિકાસ પ્રોજેક્ટના ઉદ્ઘાટન માટે નેતાઓ કે મહાનુભાવોની હાજરીમાં વિશેષ કાર્યક્રમ યોજવામાં આવે છે. પરંતુ, સ્થાનિક રાજકારણમાં વ્યસ્ત નેતાઓ માટે યોગ્ય સમય ન મળતા, આ બ્રિજનું લોકાર્પણ હજુ પણ અટકેલું છે. માંજલપુર અને ખિસકોલી સર્કલ વચ્ચેના ભૌગોલિક વિસ્તારો માટે આ બ્રિજ ઘણો ઉપયોગી સાબિત થશે. જે તે વિસ્તારોના નાગરિકો માટે બ્રિજ દ્વારા નવો રસ્તો ઝડપથી પસાર થવા માટે મદદરૂપ થશે. જોકે, વહીવટીતંત્રની ઢીલાશ અને લોકાર્પણ વિલંબના કારણે સ્થાનિક નાગરિકો અને દરરોજ પસાર થતાં વાહનચાલકોએ પોતાના નિર્ણય અનુસાર બ્રિજનો ઉપયોગ શરૂ કરી દીધો છે.

આ સંદર્ભે, બ્રિજ વિભાગના સૂત્રોના જણાવ્યા અનુસાર, હાલમાં લોકાર્પણ માટે કોઈ ચોક્કસ તારીખ નક્કી થઈ નથી. જોકે, દફ્તરી કચેરીઓમાં થઈ રહેલી ચર્ચા મુજબ, સંભાવના છે કે આગામી 25 ફેબ્રુઆરીએ બ્રિજનું સત્તાવાર લોકાર્પણ કરવામાં આવશે. જો આવું થાય, તો બ્રિજના ઉપયોગને અધિકૃત માન્યતા મળશે. ત્યારે સવાલ એ પણ થઈ રહ્યો છે કે, અધિકારીઓના માટે બ્રિજનું કામ પૂર્ણ થયું નથી તો કોની બેદરકારીને પગલે આ બ્રિજ પર વાહન વ્યવહાર શરૂ થયો છે. તો બીજી તરફ સ્થાનિકોમાં ચર્ચા છે કે બ્રિજ સંપૂર્ણપણે તૈયાર છે, તો તેનો ઉપયોગ વિલંબ વગર શરૂ થવો જોઈએ. વધુમાં સ્થાનિકોની માંગ છે કે બ્રિજ ટૂંક સમયમાં ઉપયોગ માટે ખુલ્લો મુકાય. દરરોજ ટ્રાફિકમાં ફસાઈને, કામ પર જવા કે બાળકોને સ્કૂલ પહોંચાડવા મુશ્કેલી પડી રહી છે. જો વહીવટીતંત્ર 25 ફેબ્રુઆરીએ બ્રિજનું લોકાર્પણ કરે, તો તે વહીવટી વ્યવસ્થાની જવાબદારી પ્રત્યેની ગંભીરતાને દર્શાવશે પરંતુ જો આ તારીખ ફરીથી આગળ ધપાવવામાં આવે, તો સ્થાનિક નાગરિકો અને વાહનચાલકોમાં નિરાશા વધશે.

Most Popular

To Top