થોડા દિવસો પહેલા ઘણા બધા રેસ્ટોરન્ટનાં વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા કે જમવાની વાનગીઓમાં મરેલી ગરોળી અને જીવજંતુઓ નીકળી આવ્યા હતા. ત્યારે હવે વડોદરા મહાનગરપાલિકા દ્વારા રેસ્ટોરન્ટ સામે કડક વલણ અપનાવવામાં આવ્યું છે. વડોદરા મહાનગરપાલિકા દ્વારા આરોગ્ય શાખાની સ્પેશિયલ સ્કવોડ દ્વારા સતત પાંચમાં દિવસે રેસ્ટોરન્ટ્સમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.
આજરોજ વડોદરા શહેરના ઉત્તર ઝોનમાં સમા સાવલી રોડ આવેલ નામાંકિત રેસ્ટોરન્ટ્સ KFC, મિર્ચ મસાલા, મદ્રાસ કોર્નર, પીઝેરીયા, અમૃતસરી ઢાબામાં આરોગ્ય શાખાની ટીમ પહોંચી હતી. તેમના દ્વારા રેસ્ટોરન્ટ ના કિચનમાં બનાવેલ વાનગીઓ સાથે સાથે વાનગીઓ બનાવવા માટેનું મટીરીયલનું ચેકિંગ કરવામાં આવ્યું હતું. કોઈ પદાર્થ બગડેલ છે કે નહીં રેસ્ટોરન્ટના કિચનમાં સ્વચ્છતા છે કે નહીં તે દરેક બાબત તેમના દ્વારા ચેક કરવામાં આવી હતી.
અમૃતસરી ઢાબા પંજાબી રેસ્ટોરન્ટમાં ફૂડ કલર અને બગડેલ શાકભાજીઓ મળી આવેલ હતી જેથી માલ સામાનનો નાશ કરવામાં આવ્યો હતો. અને અધિકારીએ જણાવ્યા મુજબ શિડયુલ- 4 પ્રમાણે કાયદાનું પાલન ન કરવાથી રેસ્ટોરન્ટ પાસેથી લેખિતમાં જવાબ માંગવામાં આવશે.