Vadodara

સંસ્કારી નગરીમાં શ્રમિકોના જીવ સસ્તા?

રાવપુરાના વ્યસ્ત માર્ગ પર સુરક્ષા સાધનો વિના ઝાડ કાપવાનું જોખમી ઓપરેશન

હેલ્મેટ કે સેફ્ટી બેલ્ટ વિના ઉંચા ઝાડ પર ચઢેલા યુવાનને જોઈ રાહદારીઓના જીવ અધ્ધર; પાલિકાની ઘોર બેદરકારી ઉઘાડી પડી

વડોદરા: ​સંસ્કારી નગરી વડોદરામાં વડોદરા મહાનગરપાલિકા અને તેના કોન્ટ્રાક્ટરો જાણે શ્રમિકોના જીવની કોઈ કિંમત જ ન હોય તેમ વર્તી રહ્યા છે. શહેરના અત્યંત વ્યસ્ત અને ગીચ એવા રાવપુરા વિસ્તારમાં જાહેર માર્ગ પર કોઈપણ પ્રકારના સુરક્ષા સાધનો વગર ઝાડ કાપવાની જોખમી કામગીરી સામે આવતા તંત્રની પોલ ખુલી ગઈ છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, રાવપુરાના મુખ્ય માર્ગ પર ઝાડની ડાળીઓ કાપવા માટે એક યુવાન શ્રમિકને ઝાડ પર ચઢાવવામાં આવ્યો હતો. આશ્ચર્યની વાત એ છે કે, આટલી ઊંચાઈએ કામ કરવા છતાં શ્રમિક પાસે નહોતું હેલ્મેટ કે નહોતો કોઈ સેફ્ટી બેલ્ટ. ભીડભાડવાળા વિસ્તારમાં નીચેથી સતત વાહનો પસાર થઈ રહ્યા હતા અને ઉપર શ્રમિક સંતુલન જાળવીને ડાળીઓ કાપી રહ્યો હતો. જો સહેજ પણ સંતુલન બગડે અને શ્રમિક નીચે પટકાય તો જીવલેણ અકસ્માત સર્જાઈ શકે તેવી સ્થિતિ સર્જાઈ હતી.
સામાન્ય રીતે આવા કામોના કોન્ટ્રાક્ટમાં શ્રમિકોની સુરક્ષા માટેના સાધનો પૂરા પાડવાની સ્પષ્ટ શરતો હોય છે, છતાં ખર્ચ બચાવવા અથવા બેદરકારીને કારણે કોન્ટ્રાક્ટરો નિયમોનું ઉલ્લંઘન કરે છે. જ્યારે પણ કોઈ અકસ્માત થાય છે, ત્યારે પાલિકાના અધિકારીઓ હંમેશની જેમ કોન્ટ્રાક્ટર પર દોષનો ટોપલો ઢોળીને હાથ ઊંચા કરી દેતા હોય છે.
​શહેરના જાગૃત નાગરિકોની માંગ છે કે ઉચ્ચ અધિકારીઓ આ મામલે તપાસ કરે અને જવાબદાર કોન્ટ્રાક્ટર વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવે. શું તંત્ર કોઈ મોટી હોનારત થાય તેની રાહ જોઈ રહ્યું છે? તેવો પ્રશ્ન હાલ સમગ્ર રાવપુરા વિસ્તારમાં ચર્ચાનું કેન્દ્ર બન્યો છે.

Most Popular

To Top