Vadodara

સંસ્કારી નગરીમાં બુલેટ ટ્રેનનું સપનું સાકાર થવા તરફ: કમિશનરે સમીક્ષા બેઠકમાં વિકાસની બ્લૂ-પ્રિન્ટ રજૂ કરી​


સ્ટેશન કનેક્ટિવિટી અને નાગરિકોની સુવિધા માટે તંત્ર સજ્જ; આગામી દિવસોમાં કામગીરી તેજ કરવા NHSRCL સાથે સંકલન સાધ્યું

વડોદરા:
ભારતના મહત્વકાંક્ષી પ્રોજેક્ટ એવા મુંબઈ-અમદાવાદ હાઈ-સ્પીડ રેલ કોરિડોર (બુલેટ ટ્રેન) ની કામગીરી વડોદરા શહેરમાં હવે નિર્ણાયક તબક્કે પહોંચી છે. વડોદરાના હાર્ટ સમાન રેલ્વે સ્ટેશન વિસ્તાર અને તેની આસપાસ ચાલી રહેલા નિર્માણ કાર્યમાં ગતિ લાવવા તેમજ સ્થાનિક વહીવટી પ્રશ્નોના નિરાકરણ માટે મ્યુનિસિપલ કમિશનર દ્વારા હાઈ-લેવલ બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં કમિશનરે પ્રોજેક્ટના અમલીકરણ અને નાગરિકોની સુવિધાને ધ્યાને રાખીને અત્યંત મહત્વપૂર્ણ માહિતી જાહેર કરી છે.
બુલેટ ટ્રેન પ્રોજેક્ટના રૂટમાં આવતી મહાનગરપાલિકાની મિલકતો, પાણીની લાઈનો, ડ્રેનેજ નેટવર્ક અને ગેસ લાઈનોના શિફ્ટિંગની કામગીરી પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે. NHSRCL (નેશનલ હાઈ સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડ) ના અધિકારીઓ સાથેની આ બેઠકમાં એ બાબત સુનિશ્ચિત કરવામાં આવી છે કે પ્રોજેક્ટના કારણે સામાન્ય જનતાને મળતી પાયાની સુવિધાઓમાં કોઈ વિક્ષેપ ન પડે. કમિશનરે સંબંધિત વિભાગોને આદેશ આપ્યો છે કે જ્યાં પણ ટેકનિકલ અવરોધો છે, તેનો નિકાલ યુદ્ધના ધોરણે કરવામાં આવે.
વડોદરામાં જે બુલેટ ટ્રેન સ્ટેશનનું નિર્માણ થઈ રહ્યું છે તે દેશના સૌથી વ્યસ્ત અને આધુનિક સ્ટેશનોમાંનું એક હશે. આ સંદર્ભે કમિશનરે જણાવ્યું કે, સ્ટેશનના એપ્રોચ રોડ અને પ્લેટફોર્મ સુધી પહોંચવા માટેના માર્ગોનું આયોજન એ રીતે કરવામાં આવ્યું છે કે જેથી ટ્રાફિકનું ભારણ હળવું કરી શકાય. ખાસ કરીને અલકાપુરી અને સ્ટેશન વિસ્તારના ટ્રાફિક મેનેજમેન્ટ માટે મ્યુનિસિપલ કોર્પોરેશન અને ટ્રાફિક પોલીસ સંયુક્ત રીતે નવો પ્લાન અમલમાં મૂકશે. નિર્માણ કાર્ય દરમિયાન રસ્તાઓ પર જે ડાયવર્ઝન આપવામાં આવ્યા છે, તેની સમીક્ષા કરી જરૂર જણાયે સુધારા કરવામાં આવશે.

Most Popular

To Top