Vadodara

સંવેદનશીલ ફતેપુરામાં VMCની દબાણ વિરોધી સર્જિકલ સ્ટ્રાઇક

અડાણીયા પુલથી ઠેકરનાથ સ્મશાન સુધીના માર્ગો ખૂલ્લા

એક ટ્રક જેટલો ભંગાર અને પરચુરણ માલ-સામાન જપ્ત; કુંભારવાડા પોલીસ અને SRPના બંદોબસ્ત વચ્ચે શાંતિપૂર્ણ માહોલમાં કાર્યવાહી સંપન્ન

વડોદરા શહેરના સંવેદનશીલ વિસ્તાર ફતેપુરામાં આવેલ અડાણીયા પુલ ચાર રસ્તાથી ઠેકરનાથ સ્મશાન સુધીના મુખ્ય માર્ગ પર ગેરકાયદેસર રીતે ખડકાયેલા ભંગાર, ઓટો સ્પેરપાર્ટસ અને અન્ય પરચુરણ માલ-સામાનના દબાણો પર મંગળવારે સવારે વડોદરા મહાનગરપાલિકા ના દબાણ શાખા દ્વારા મેગા ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. સઘન પોલીસ બંદોબસ્ત વચ્ચે આ કાર્યવાહી શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ હતી, જેમાં એક ટ્રક જેટલો માલ-સામાન કબજે કરીને રસ્તાઓ ખુલ્લા કરવામાં આવ્યા હતા.
ફતેપુરા વિસ્તારના આ મુખ્ય માર્ગ પર દુકાનદારો દ્વારા રોડ રસ્તા પર જ ભંગાર અને ઓટો સ્પેરપાર્ટસનો માલ સામાન ખડકીને વેપાર કરવામાં આવતો હતો. પરિણામે, ટ્રાફિકની અવર-જવર માટે રોડ સાંકડા બની ગયા હતા, જેના કારણે નાના-મોટા અકસ્માતો થવાની સંભાવનાઓ સતત વધી રહી હતી. તંત્રને આ અંગે વારંવાર ફરિયાદો પણ મળી હતી. લાંબા સમયથી ઉઠેલી આ માંગણીને ધ્યાનમાં રાખીને, પાલિકા તંત્રએ પશ્ચિમ વિસ્તારમાં દબાણ હટાવ્યા બાદ હવે પૂર્વ વિસ્તારના આ સંવેદનશીલ ઝોનમાં કાર્યવાહી કરવાનો નિર્ણય લીધો હતો.
આ દબાણ હટાવવાની કાર્યવાહી શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટે ખાસ આયોજન કરવામાં આવ્યું હતું. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની દબાણ શાખાની ટીમ સાથે કુંભારવાડા પોલીસ સ્ટેશનના પોલીસ સ્ટાફ અને એસ.આર.પી. ની ટીમ પણ મદદ માટે હાજર રહી હતી.
પાલિકા તંત્રની ટીમ ત્રાટકે તે પહેલા જ, કેટલાક વેપારીઓએ રોડ પર ગેરકાયદેસર રીતે પડેલો પોતાનો વધારાનો સરસામાન તાત્કાલિક ધોરણે ખસેડવાની કાર્યવાહી શરૂ કરી દીધી હતી. જોકે, તેમ છતાં પણ રોડ રસ્તા પર ખડકાયેલો મોટા પ્રમાણમાં માલ સામાન જપ્ત કરવામાં આવ્યો હતો. પાલિકાના સૂત્રોના જણાવ્યા અનુસાર, દબાણ શાખા દ્વારા આ કાર્યવાહીમાં એક ટ્રક જેટલો માલ-સામાન કબજે લેવામાં આવ્યો હતો.
ત્યારે પાલિકાની દબાણ શાખા ની બીજી ટીમ ગધેડા માર્કેટથી સંગમ ચાર રસ્તા સુધી ફર્નિચર ના શોરૂમ તેમજ અન્ય દુકાનો દ્વારા રોડ પર હોલ્ડિંગ કે અન્ય સમાન મૂકી દબાણ કરતા ને સામાન હટાવી લેવા જણાવ્યું હતું અને હવે પછી સામાન રોડ પર મૂકવામાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરી નોટિસ અને દંડ કરવામાં આવશે તેવી કડક ચેતવણી વેપારીઓ ને આપવામાં આવી હતી.

Most Popular

To Top