મજદૂર વિરોધી ચાર લેબર કોડ રદ કરવા માંગ
સરકાર માંગોને ગંભીરતાથી નહીં લેય તો રાષ્ટ્રીય સ્તરે વધુ તીવ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી


( પ્રતિનિધિ )વડોદરા,તા.26
કેન્દ્ર સરકારે લાગુ કરેલા ચાર લેબર કોડના વિરોધમાં સંયુક્ત કામદાર સમિતિ, સંયુક્ત ટ્રેડ યુનિયન મેદાનમાં આવ્યું છે. કાયમી નોકરીને અસર થતાં યુનિયનો દ્બારા ગાંધીનગર ગૃહ ખાતે ધરણા યોજી કલેક્ટર મારફતે વડાપ્રધાનને આવેદનપત્ર સુપરત કરવામાં આવ્યું હતું.
કેન્દ્ર સરકાર દ્વારા 21 નવેમ્બરે દેશમાં ચાર નવા લેબર કોડ અમલમાં મૂકાશે તેવી જાહેરાત બાદ સમગ્ર દેશમાં કામદાર વર્ગમાં ભારે અસંતુષ્ટિ ફેલાઈ છે. પહેલાં કાર્યરત 44 કામદારો સંબંધિત કાયદાઓમાંથી 29 કાયદાઓ રદ્દ કરી તેમની જગ્યાએ ચાર લેબર કોડ અમલમાં મૂક્યા છે. આ નવા કોડ મુજબ કાયમી નોકરીની પરંપરા સમાપ્ત કરી કોન્ટ્રાક્ટ પ્રથા તેમજ ફિક્સ ટર્મ એમ્પ્લોયમેન્ટને પ્રોત્સાહન આપવાની જોગવાઈ કરાઈ છે. કામદાર સંગઠનોના મતે આ બદલાવ કામદારોની નોકરીની સુરક્ષા અને હક્કોમાં ઘટાડો કરે છે. આ કાયદાઓના વિરોધમાં ગાંધીનગર ખાતે સંયુક્ત કામદાર સમિતિ દ્વારા વિશાળ ધરણા પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જેમાં વિવિધ ઉદ્યોગો, સંગઠનો અને મજૂર સંગઠનોના પ્રતિનિધિઓ મોટા પ્રમાણમાં આ વિરોધમાં જોડાયા હતા અને નવા લેબર કોડને કામદારો વિરોધી ગણાવ્યો હતો. સંયુક્ત કામદાર સમિતિના આગેવાનો સહિત કામદારો જિલ્લા કલેક્ટર કચેરી પર જઈ વડાપ્રધાનના નામે પત્ર સોંપવામાં આવ્યો હતો. જેમાં લેબર કોડના અમલને પાછો ખેંચવાની માંગ કરવામાં આવી હતી. સાથે કામદાર સંગઠનોએ ચેતવણી પણ આપી હતી કે જો સરકાર આ માંગોને ગંભીરતાથી નહીં લેય તો રાષ્ટ્રીય સ્તરે વધુ તીવ્ર આંદોલન કરવામાં આવશે.