72 વર્ષીય વૃદ્ધા પોતાના ઘરે તાપણું કરતા અચાનક ચક્કર આવતાં તાપણામાં પડી ગયા હતા
(પ્રતિનિધિ) વડોદરા તા.18
મહિસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના એક ગામમાં વૃદ્ધા પોતાના ઘરે સાંજે ઠંડીથી બચવા તાપણું સળગાવી તાપણું કરી રહ્યાં હતાં તે દરમિયાન ચક્કર આવતાં વૃદ્ધા સળગતા તાપણામાં પડી જતાં ગંભીર રીતે દાઝી જતાં તેમને વડોદરા શહેરના એસ.એસ.જી.હોસ્પિટલમા ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેઓનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું જેથી તેઓના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી જરુરી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર, મહિસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના પરિના પાડા ગામ નજીક સરિપુર ખાતે રહેતા ગનીબેન સલુભાઇ ડામોર નામના આશરે 72 વર્ષીય વયોવૃદ્ધ મહિલા ગત તારીખ 17મી ડિસેમ્બરના રોજ સાંજે સાડા સાત વાગ્યાની આસપાસ પોતાના ઘરે ઠંડીથી બચવા તાપણું કરી રહ્યાં હતાં તે દરમિયાન અચાનક વયોવૃદ્ધ મહિલાને ચક્કર આવી જતાં તેઓ સળગતા તાપણામાં પડી ગયા હતા જેથી બુમાબુમ થતાં પરિવાર તથા આસપાસના લોકો દોડી આવ્યા હતા અને ગંભીર રીતે દાઝી ગયેલા વયોવૃદ્ધ મહિલાને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે ગોધરા ખાતે આવેલી સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા જ્યાંથી વધુ સારવાર માટે તેમને વડોદરા શહેરના એસ.એસ.જી.હોસ્પિટલમા ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેઓનું ગતરોજ તા. 18 મી ડિસેમ્બરના રોજ સવારે સવા છ વાગ્યાની આસપાસ એસ આઇ સી યુ સર્જિકલ બી – યુનિટમા સારવાર દરમિયાન તેમનું મોત નિપજ્યું હતું જેથી તેઓના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી જરુરી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.