Vadodara

સંતરામપુરમાં વીજ કંપનીના જુનિયર ઇજનેરને કર્મચારીએ ધમકી આપી

નસીકપુર ગામમાં ગેરકાયદે વીજ જોડાણનો કેસ રદ કરવા ધમકાવ્યો

(પ્રતિનિધિ) સંતરામપુર તા.15

સંતરામપુરમાં મધ્ય ગુજરાત વીજ કંપનીમાં ફરજ બજાવતા જુનિયર એન્જિનીયરે ગેરકાયદેસર કનેકશન અંગે કરેલો કેસ રદ કરવા માટે લુણાવાડાના શખ્સે ધમકી આપી હતી. આ અંગે સંતરામપુર પોલીસે ગુનો નોંધ્યો હતો.

સંતરામપુરના સરદાર નગર સોસાયટીમાં રહેતા નરેશભાઈ ભગવાનજી મોકરીયા છેલ્લા બે વર્ષથી સંતરામપુર મધ્ય ગુજરાત વીજ કંપનીમાં જુનિયર એન્જિનીયર તરીકે ફરજ બજાવે છે. તેઓ તેમની ટીમ સાથે 14મી જૂનના રોજ સવારના છએક વાગે વીજ જોડાણ ચેક કરવા નિકળ્યાં હતાં. આ સમયે તેઓ નસીકપુર ગામમાં પહોંચ્યાં તે સમયે ગુલાબ અખમભાઈ બારીયાના ઘરે વીજ પાવરનો વપરાશ ચાલુ હોવાનું જણાયું હતું. જ્યારે ગુલાબના ઘરે કોઇ મીટર લગાવેલું નહતું. આથી, તપાસ કરતાં ઘરની બાજુમાં પસાર થતી લાઇનમાંથી વાયરનું ગેરકાયદેસર જોડાણ કરી વીજ ચોરી કરતાં હતાં. આથી, વીજ ચોરી ન કરવા સમજાવી કાયદેસરની કાર્યવાહી કરી હતી. જોકે, ગામમાં અન્ય વીજ જોડાણ ચેક કરતાં હતાં, તે સમયે નરેશભાઈ મોકરીયાને કોલ આવ્યો હતો. જેમાં સામેના વ્યક્તિએ પોતાનો પરિચય ડી.એન. પગી તરીકે આવ્યો હતો અને લુણાવાડા ડિવિઝનથી વાત કરતાં હોવાનું જણાવ્યું હતું. આ ઉપરાંત હું તમારો બોસ જ કહેવાઉ તેમ કહી અપશબ્દ બોલી ગુલાબ બારીયાનો વીજ ચોરીનો કેસ ન કરવા જણાવ્યું હતું. જોકે, નરેશભાઈએ બધુ કાયદેસર કર્યું હોવાનું જણાવતાં ડી.એન. પગીએ તેને ચેકીંગ શીટ રદ કરી આપ નહીં તો હું તને નોકરીમાંથી કઢાવી નાંખીશ. તેવી ધમકી આપી હતી. આ ઉપરાંત તું મને ઓળખતો નથી. તુ આ કેસ રદ નહીં કરે તો તને જાનથી મારી નાંખીશ. તેવી ધમકી આપી હતી. આથી, નરેશભાઈએ ફોન કાપી નાંખતા અન્ય નંબરથી ફોન કરી ધમકી આપી હતી. આ અંગે સંતરામપુર પેટા વિભાગકીય કચેરી-11ના નાયબ ઇજનેરને ફોન કરી જાણ કરી હતી. બાદમાં લુણાવાડા ડિવિઝન ખાતે એક્ઝીક્યુટીવ એન્જિનીયરની રૂબરૂમાં મળવા ગયાં હતાં. પરંતુ ડી.એન. પગી હાજર ન હતો. આખરે આ અંગે સંતરામપુર પોલીસ મથકે ડી.એન. પગી (રહે. લુણાવાડા) સામે ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Most Popular

To Top