Charotar

સંતરામપુરમાં એમડી ડ્રગ્સ સાથે ચાર શખ્સ પકડાયાં

મહીસાગર જિલ્લાના સંતરામપુરમાં એમડી ડ્રગ્સનો કારોબાર પકડાયો

સંતરામપુર પોલીસે વાંકાનાળા પોઇન્ટ પર રોકેલી કારમાં તલાસી લેતા એમડી ડ્રગ્સ મળી આવ્યું

(પ્રતિનિધિ) સંતરામપુર તા.14

મહીસાગર જિલ્લાના સંતરામપુરના વાંકાનાળા પોઇન્ટ પર પોલીસે વાહન ચેકીંગ દરમિયાન રોકેલી કારમાં સવાર ચાર શખ્સની તલાસી લેતાં એક શખ્સ પાસેથી એમડી ડ્રગ્સ મળી આવ્યું હતું. આ અંગે તાત્કાલિક ઉપરી અધિકારીઓને જાણ કરવામાં આવી હતી. પ્રાથમિક તપાસમાં જ મધ્યપ્રદેશના શખ્સો સંતરામપુરમાં એમડી ડ્રગ્સ લઇને આવ્યાં હોવાની કબુલાત કરી હતી. આ અંગે પોલીસે કુલ છ શખ્સ સામે ગુનો નોંધી 4ની ધરપકડ કરી હતી.

મહીસાગર જિલ્લા પોલીસ વડા જયદીપસિંહ જાડેજા દ્વારા ગેરકાયદેસર ચાલતા માદક પદાર્થોની હેરાફેરી, વેચાણની પ્રવૃત્તિઓ સંપૂર્ણ નેસ્ત નાબુદ કરવા જરૂરી સુચના આપી હતી. આ સુચના આધારે નાયબ પોલીસ અધિક્ષક વિવેક ભેડાના માર્ગદર્શન હેઠલ સંતરામપુર પોલીસ સબ ઇન્સ્પેક્ટર એસ.એસ. પલાસ સહિતની ટીમે 13મીની રાત્રે વાંકાનાળા પોઇન્ટ પર વાહન ચેકીંગની કામગીરી હાથ ધરી હતી. આ દરમિયાન શંકાસ્પદ સ્વીફટ ગાડી આવતા તેને રોકી તલાસી લેવામાં આવી હતી. જોકે, આ સમયે તેમાં બેઠેલા ચાર શખ્સને નીચે ઉતારી પુછપરછ કરતાં હતાં તે સમયે એક શખ્સે ભાગવા કોશીષ કરતાં પોલીસે તુરંત તેને પકડી પાડ્યો હતો. આ હરકતમાંથી પોલીસની શંકા ઘેરી બની હતી. આથી, ચારેયની પુછપરછ કરી હતી. જેમાં એઝાઝ અહેમદ પઠાણ, કૈલાશચંદ્ર ગોપાલ પરમાર, દીપક રાધેશ્યામ ઝડવાલ અને જાકીર હુસેન મકરાણી (રહે. તમામ રતલામ, મધ્યપ્રદેશ) હોવાનું જણાવ્યું હતું. સંતરામપુર પોલીસે એઝાઝની તલાસી લેતા તેની પાસેથી એક પ્લાસ્ટીકની પડીકી મળી આવી હતી.

આ પડીકી અંગે પુછપરછ કરતાં તે માદક પદાર્થ એમડી ડ્રગ્સ હોવાની કબુલાત કરતાં પોલીસ ચોંકી ગઇ હતી. આ અંગે તુરંત ઉચ્ચ કક્ષાએ જાણ કરતાં પોલીસ ઇન્સ્પેક્ટર કે. કે. ડીંડોર સહિતની ટીમ પહોંચી હતી. એઝાઝ અહેમદ પઠાણ પાસેથી મળી આવેલા એમડી ડ્રગ્સની ચકાસણી કરવા એફએસએલને બોલાવી હતી. જેમાં આશરે 44.630 ગ્રામ કિંમત રૂ.4,46,630ની કિંમતની ડ્રગ્સ હતું. આથી, પોલીસે ચારેય પાસેથી મોબાઇલ, કાર નં.એમપી 43 સીએ 6368 મળી કુલ રૂ.8,68,300નો મુદ્દામાલ જપ્ત કરી ચારેયની સઘન પુછપરછ હાથ ધરવામાં આવી હતી. આ પુછપરછમાં એઝાઝ અસ્ફાક ભુરા (રહે. સંતરામપુર)એ એમડી ડ્રગ્સ મંગાવ્યો હતો. જે આદમ શેર જમાલ પઠાણ (રહે.મધ્યપ્રદેશ)એ મોકલ્યો હોવાનું ખુલ્યું હતું. આથી, પોલીસે એઝાઝ અહેમદ પઠાણ, કૈલાશચંદ્ર ગોપાલ પરમાર, દીપક રાધેશ્યામ ઝડવાલ, જાકીર હુસેન મકરાણી, એઝાજ અસ્ફાક ભુરા અને આદમ શેર જમાલ પઠાણ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

સંતરામપુરનો એઝાઝ ભુરા કોણ ?

સંતરામપુરના બસ સ્ટેન્ડ સામે રહેતો એઝાઝ ભુરાએ મધ્યપ્રદેશથી એમડી ડ્રગ્સ મંગાવ્યું હોવાનું પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે. જોકે, આ એઝાઝ કોણ છે ? અને તેણે શા માટે આ ડ્રગ્સ મંગાવ્યું ? તે તપાસનો વિષય બન્યો છે. સાડા લાખના એમડી ડ્રગ્સનું તે કોને કોને વેચાણ કરતો હતો ? કે આ ડ્રગ્સ આગળ વડોદરા, અમદાવાદ કે આણંદ બાજુ પહોંચાડવાનું હતું ? તે સહિતના અનેક પ્રશ્નો ઉભા થયાં છે. આ અંગે હાલ પોલીસે રિમાન્ડ મેળવવા સહિતની કાર્યવાહી હાથ ધરી છે.

Most Popular

To Top