ધરપકડ કરાયેલામાં ચાર બાળ વયના આરોપીનો પણ સમાવેશ
દાહોદ:
દાહોદ જિલ્લાના સંજેલી તાલુકામાં ચકચાર મચાવી મુકનાર ઘટનામાં એક મહિલાને પ્રેમ સંબંધમાં મહિલાને અર્ધનગ્ન કરી આખા ગામમાં મહિલાનો અર્ધ નગ્ન હાલતમાં વરઘોડો કાઢતાં સમગ્ર જિલ્લામાં ભારે સ્તબ્ધતા સાથે ચકચાર મચાવી મુકી હતી ત્યારે તાત્કાલિક ધોરણે દાહોદ જિલ્લા પોલીસ વડાની સુચના અને માર્ગદર્શન હેઠળ ૧૫ આરોપીઓ પૈકી મહિલા સહિત ૧૨ આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યાં હતાં. આ 12 આરોપીઓ પૈકી ૪ બાળ કિશોરનો પણ સમાવેશ થાય છે. હાલ અન્ય ત્રણ આરોપીઓને પકડી પાડવા માટે પોલીસે ચક્રોગતિમાન પણ કર્યા છે.

ગત તા.૨૮મી જાન્યુઆરીના રોજ સંજેલી તાલુકામાં એક પરણિત મહિલાને અન્ય પુરૂષ સાથેના પ્રેમ સંબંધ હોઈ ગામમાં રહેતાં મહિલા સહિત ૧૫ ઈસમો દ્વારા મહિલાને દંડા વડે તેમજ ગડદાપાટ્ટુનો માર માર્યા બાદ મહિલાને અર્ધ નગ્ન કરી નાંખી હતી. મહિલાને અર્ધ નગ્ન કરી મોટરસાઈકલની પાછળ સાંકળ બાંધી અને તેજ સાંકળ મહિલાના હાથમાં બાંધી સમગ્ર ગામમાં મહિલાનો અર્ધ નગ્ન હાલતમાં વરઘોડો કાઢવામાં આવ્યો હતો. આ સમગ્ર ઘટનાનો વિડીયો આરોપીઓ પૈકી કેટલાંક આરોપીઓએ પોતાના મોબાઈલ ફોનમાં ઉતારી લીધો હતો અને જાેતજાેતામાં આ ઘટનાનો સમગ્ર વિડીયો સોશીયલ મીડીયામાં વાઈરલ થઈ જતાં સમગ્ર દાહોદ જિલ્લામાં આ ધ્રૃણાસ્પદ ઘટનાને પગલે ચકચાર મચી જવા પામી હતી. ઘટનાની જાણ દાહોદ જિલ્લા પોલીસ વડાને થતાં દાહોદ જિલ્લા પોલીસ વડા દ્વારા આ મામલે તાત્કાલિક તપાસના આદેશો સાથે આરોપીઓના ધરપકડના આદેશો કરવામાં આવતાં પોલીસ કાફલા દ્વારા આજરોજ ઘટના સ્થળે પહોંચી જઈ વિસ્તારમાં કોમ્બીંગ હાથ ધર્યુ હતું અને આ બનાવમાં સામેલ મહિલા સહિત ૧૫ આરોપીઓ પૈકી ૧૨ આરોપીઓને પકડી પાડવામાં આવ્યાં હતાં .જેમાં પોલીસ દ્વારા પકડી પાડવામાં આવેલા આરોપીઓમાં ચાર બાળ કિશોર, ચાર મહિલાઓ અને ચાર પુરૂષોનો સમાવેશ થાય છે. બાળ કિશોરોને જુએનલ જસ્ટીસ બોર્ડમાં રજુ કરવામાં આવ્યાં છે. ચાર મહિલાઓને જેલમાં મોકલી દેવામાં આવી છે અને અન્ય ચાર પુરૂષ આરોપીઓને પોલીસ કસ્ટડીમાં તેઓની પુછપરછ ચાલી રહી છે. અન્ય આરોપીઓમાં ફરાર એક પુરૂષ, એક મહિલા અને એક બાળ કિશોરના પોલીસે ધરપકડના ચક્રોગતિમાન કર્યા છે. પોલીસ પીડીત મહિલાને તેના સસરાને જ્યાં પીડીત મહિલાને ગોંધી રાખી હતી જ્યાં તેના સસરાના ત્યાંથી પોલીસે પીડીતાને મુક્ત કરાવી હતી.
આવા વીડિયો ફરતા કરવામાં પણ ગુનો બને છે: એસપી
દાહોદ જિલ્લા પોલીસ વડાના જણાવ્યાં અનુસાર, તમામ આરોપીઓ વિરૂધ્ધ અપહરણ કરવાનો, ગેરકાયદેસર ગોંધી રાખવાનો, મહિલાને માર મારવાનો, તેમની ગરીમાને નુકસાન જાય તે પ્રકારનું કૃત્ય કરવાનું અને ઈન્ફર્મેશન ટેકનોલોજી એક્ટની કલમ મુજબ ગુનો દાખલ કરી તાત્કાલિક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. દાહોદ જિલ્લા પોલીસ વડાના વધુમાં જણાવ્યાં અનુસાર, આ પ્રકારના કોઈપણ વિડીયો સોશીયલ મીડીયામાં વાઈરલ કરવાથી મહિલાની ગરીમાને વધારે નુકસાનદાયક અને જે કાયદાની પરીભાષા મુજબ ગુન્હાને પાત્ર બને છે. આ પ્રકારના કોઈ વિડીયો ફેલાવવા ન જાેઈએ. આ વિડીયો બનાવનાર અને ફેલાવનાર જે લોકો હતાં તે તમામ લોકો ઉપર કાયદેસરની કાર્યવાહી દાહોદ જિલ્લા પોલીસ દ્વારા કરવામાં આવી છે.
———————————————
