Vadodara

સંજયનગરના કોન્ટ્રાક્ટર વિરુદ્ધ 50 નોટિસો પછી પણ કોઈ પગલા કેમ નહીં?

વારસિયા સંજયનગર વિવાદ : વિપક્ષી નેતાએ કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ કરવાની કરી માંગ

ઝૂંપડપટ્ટી ધ્વસ્ત કર્યા બાદ પણ ગરીબોને ઘરો મળ્યા નહીં


વડોદરાના વારસિયા સંજયનગર વિસ્તારમાં ગરીબોને નવા ઘરો આપવાના નામે શરૂ થયેલી યોજના વિવાદમાં આવી છે. વિપક્ષી નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવે આ મામલે મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરી છે અને કોન્ટ્રાક્ટરને તાત્કાલિક બ્લેકલિસ્ટ કરવાની માંગ કરી છે. આ યોજના માટે વર્ષ 2017માં ટેન્ડર જાહેર થયું હતું, જેમાં 1,45,993 ચોરસ મીટર જમીનમાંથી દબાણ અને કપાત બાદ 1,36,000 ચોરસ મીટર જમીન વિકાસ માટે મંજૂર કરવામાં આવી હતી. આ વિસ્તારમાં આશરે 2200-2300 ઝૂંપડાઓ હતાં, પરંતુ કેટલાક દસ્તાવેજો અનુસાર માત્ર 1841 ઝૂંપડાઓ જ ગણવામાં આવ્યા હતા. સરકારી માર્ગદર્શિકા મુજબ, 50%થી વધુ લાભાર્થીઓની સંમતિ હોવી આવશ્યક હતી, પરંતુ એ સંમતિ ન હોવા છતાં ઝૂંપડપટ્ટી તોડી નાખવામાં આવી.

ઝૂંપડા તોડી નાંખ્યા બાદ જાણવા મળ્યું કે આ જમીન સર સયાજીરાવ ગાયકવાડ સમયની ભિક્ષુકોની હતી. આ બાબતથી વાકેફ હોવા છતાં અધિકારીઓએ કોન્ટ્રાક્ટરને ટેન્ડર ફાળવી દીધું. બાદમાં કેટલાક હિતધારીઓએ કોર્ટમાં સ્ટે મંગાવીને કામ અટકાવ્યું. વિપક્ષી નેતાએ આરોપ લગાવ્યો કે કોર્ટમાં ગયા પછી જ આ પ્રશ્ન ઉઠાવાયો, જ્યારે ટેન્ડર આપવામાં આવ્યા ત્યારે આ મુદ્દા પર ધ્યાન કેમ આપવામાં આવ્યું નહીં? ચંદ્રકાંત શ્રીવાસ્તવે એવો પણ આરોપ લગાવ્યો કે, ભૂમાફિયાઓ અને રાજકીય શખ્સોએ ગરીબોને હેરાન કરીને એ વિસ્તારની જમીન ભવિષ્યમાં ઊંચા ભાવે વેચી શકાય તે માટે આ કાવતરું રચ્યું છે. વર્ષ 2016-17માં કોન્ટ્રાક્ટરને આપવામાં આવેલા ટેન્ડર હેઠળ 18 મહિનામાં લાભાર્થીઓને ઘર આપવાનો વાયદો કરવામાં આવ્યો હતો. જોકે, વર્ષ 2022ની શરૂઆતથી કામ બંધ રહ્યું છે અને હજુ સુધી માત્ર 22% કામગીરી જ થઈ છે.
વિપક્ષે પ્રશાસનને સવાલ કર્યો કે, કોન્ટ્રાક્ટર વિરુદ્ધ 50 નોટિસો આપ્યા પછી પણ કોઈ પગલું કેમ લેવામાં આવ્યું નથી? રાષ્ટ્રીયકૃત બેંકમાં કોન્ટ્રાક્ટરે ગેરંટી પણ જમા કરી નથી. કોન્ટ્રાક્ટર દ્વારા લાભાર્થીઓને દર મહિને રૂ.2,000 ભાડું ચૂકવવાનું હતું, પરંતુ તે પણ આપવામાં આવ્યું નથી. સરેરાશ 11 કરોડ રૂપિયા કોન્ટ્રાક્ટર પાસેથી વસૂલ કરવા બાકી છે. ચંદ્રકાંત શ્રીવાસ્તવે જણાવ્યું કે, 1 જાન્યુઆરી 2025થી કોન્ટ્રાક્ટરની મુદત પૂરી થઈ ગઈ છે, છતાં પણ કોઈ કાર્યવાહી થઈ નથી. વિપક્ષે સરકાર અને લોકપાલ દ્વારા તપાસ કરાવવા અને હાઇકોર્ટમાં પબ્લિક પિટિશન દાખલ કરવાની ઘોષણા કરી છે.

વિપક્ષની મુખ્ય માંગો:

1. કોન્ટ્રાક્ટરને તાત્કાલિક બ્લેકલિસ્ટ કરવો.


2. ગરીબ લાભાર્થીઓને ઘર મળી રહે તે માટે અન્ય કોન્ટ્રાક્ટરને આ કામ સોંપવું.


3. કોન્ટ્રાક્ટર પાસેથી બાકી રહેલા ₹11 કરોડ વસૂલ કરવાં.


4. લાભાર્થીઓને દર મહિને ₹5,000 ભાડું ચૂકવવામાં આવે.


5. જવાબદાર અધિકારીઓ પર શિસ્તભંગની કાર્યવાહી કરવામાં આવે.

Most Popular

To Top